ભારત સામે ઘૂંટણિયે પડ્યું માલદીવ,ચીન તરફી મુઈઝુ સરકારે ભારતીયોને કરી આ અપીલ

May 07, 2024

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીન સાથે મળીને ભારત પર આંખ આડા કાન કરતા હતા પરંતુ હવે તેમની અક્કલ ઠેકાણે આવી છે. કથળતી અર્થવ્યવસ્થાને જોતા માલદીવે ભારતને વિનંતી કરી છે કે તેમનો દેશ પ્રવાસન પર નિર્ભર છે તેથી ભારતના લોકોએ માલદીવ આવવું જોઈએ. માલદીવના પ્રવાસન મંત્રી તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે.

પ્રવાસન મંત્રીએ સોમવારે ભારતીયોને તેમના દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા વિનંતી કરી હતી જે પર્યટન પર નિર્ભર છે. માલદીવના પ્રવાસન મંત્રી ઈબ્રાહિમ ફૈસલે દુબઈમાં એક ઈન્ટરવ્યુમાં માલદીવ અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, માલદીવ એક ટાપુ દેશ છે ત્યાંની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પર્યટન છે.

તેમણે કહ્યું હતું કે, અમારો ઈતિહાસ છે. અમારી સરકાર પણ ભારત સાથે કામ કરવા માંગે છે. અમે હંમેશા શાંતિ અને મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપીએ છીએ. અમારા લોકો અને સરકાર મુલાકાતી ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. પ્રવાસન મંત્રી તરીકે હું ભારતીયોને કહેવા માંગુ છું કે કૃપા કરીને માલદીવના પ્રવાસનનો હિસ્સો બનો. આપણું અર્થતંત્ર પ્રવાસન પર નિર્ભર છે.