પાકિસ્તાનમાં મેઘતાંડવ, 39ના મોત: બલોચિસ્તાનમાં ઈમરજન્સી જાહેર

April 15, 2024

ઈસ્લામાબાદ  : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સ્થિતિ એટલી ભયાનક છે કે સરકારે બલૂચિસ્તાનમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 39 લોકોના મોત થયા છે. રવિવારે ખૈબર પખ્તુનખ્વામાં જ 12 લોકોના મોત થયા હતો. જ્યારે બલૂચિસ્તાનના મકરાનમાં વીજળી પડતા બે લોકોના મોત થયા હતી.

અહેવાલો અનુસાર, બલૂચિસ્તાનના સીએમ સરફરાઝ બુગતીએ પરિસ્થિતિની સમીક્ષા કરવા બેઠક બોલાવી હતી. આ વરસાદને કારણે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પણ સ્થિતિ વણસી ગઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે બેઠક બોલાવી હતી. તેમણે જણાવ્યું હતું કે,'અમે બચાવ ટુકડીઓને લોકોની મદદ કરવા આદેશ આપ્યો છે. આ વરસાદથી જળાશયોમાં થોડું પાણી આવવાની પણ આશા છે. ઘણી જગ્યાએ તળાવો અને તળાવો સુકાઈ જવાના આરે હતા. હવે આ વરસાદથી થોડી રાહત મળશે.' 

પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા યુનુસ મેંગલે જણાવ્યું હતું કે, 'બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.' બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ હમીદ રિંદે કહ્યું કે,'તમામ શાળાઓ અને અન્ય સંસ્થાઓને સોમવાર અને મંગળવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.'

અફઘાનિસ્તાનમાં પણ ભારે વરસાદને કારણે 33 લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા. અહેવાલો અનુસાર,અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં લગભગ 600 ઘર જમીનદોસ્ત થઈ ગયા છે, જ્યારે 200 પશુઓના પણ મોત થયા છે. આ પૂરના કારણે ખેતીલાયક જમીન અને રસ્તાઓને નુકસાન થયું છે.