મોદીના નિવેદનથી પવાર નારાજ, કહ્યું- ‘હું તેમની વ્યક્તિગત બાબતો પર બોલવા માંગતો નથી’

May 04, 2024

દીલ્હી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં શરદ પવારના પરિવાર અને મનમોહન સિંહની ટીકા કર્યા બાદ શરદ પવારે તેમના પર નિશાન સાધી વળતો જવાબ આપ્યો છે. આ ઉપરાંત મોદીએ ઉદ્ધવ ઠાકરે પર કરેલા નિવેદન મામલે પણ વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાને વર્ષ 2014ની ચૂંટણીમાં જીવનજરૂરી ચીજવસ્તુની કિંમતો સાત દિવસમાં ઘટાડવાનું પહેલું વચન આપ્યું હતું, પરંતુ તેમણે વચન પુરુ કર્યું નથી. તેમણે 400 રૂપિયાના ગેસ સિલિન્ડરની કિંમતો 50 ટકા ઘટાડવાનું  વચન આપ્યું હતું, જોકે આજના સમયમાં તેની કિંમતો 1160 રૂપિયા છે અને કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.’


વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર કરેલી ટિપ્પણીનો જવાબ આપતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે, ‘મોદી આજે પણ મનમોહન સિંહના જ નિર્ણયો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતાના અને મનમોહન સિંહના 10 વર્ષના કાર્યકાળની તુલના કરે છે, પરંતુ મનમોહન સિંહની વિશેષતા એ હતી કે, તેઓ ચુપચાપ કામ કરતા હતા અને કોઈપણ હોબાળો કર્યા વગર દેશને પરિણામ આપતા હતા. હું વડાપ્રધાન મોદીના કામના પરિણામો વિશે તો નથી જાણતો, પરંતુ તેઓ ચર્ચા, ટીકા-ટિપ્પણી પાછળ ઘણો સમય ખર્ચ કરી નાખે છે. વડાપ્રધાને ઘણા વચનો આપ્યા હતા, પરંતુ તેમણે એકપણ વચનો પુરા કર્યા નથી. લોકો વડાપ્રધાન મોદીથી નિરાશ છે.’


વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમારા કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તૂટી નથી. પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે, તે મુદ્દે પવારના ઘરમાં ઝઘડો થઈ ગયો છે. આ ઉંમરે તેઓ પરિવારમાં ધ્યાન આપી શકતા નથી, તો મહારાષ્ટ્રને કેવી રીતે સંભાળશે?’ ત્યારે શરદ પવારે વડાપ્રધાનની આ ટિપ્પણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘મોદીએ તેમના પરિવારનું ધ્યાન ક્યાં રાખ્યું? હું તે મુદ્દે બોલવા માંગતો નથી. તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ ચિંતાજનક છે, પરંતુ હું તેમની વ્યક્તિગત બાબતો નહીં બોલું.’