ચૂંટણી બોન્ડ મુદ્દે PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

April 15, 2024

લોકસભા ચૂંટણી-2024ને ધ્યાને રાખી તમામ પક્ષોના નેતાઓ અને ઉમેદવારોએ ધમાકેદાર ચૂંટણી પ્રચાર કરવાની સાથે ગર્જના શરૂ કરી દીધી છે. 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે અને પહેલી જૂને સાતમાં તબક્કાનું મતદાન પૂર્ણ થશે. જોકે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (15 એપ્રિલ) સમાચાર એજન્સી એએનઆઈને મહત્વનું ઈન્ટરવ્યું આપ્યું હતું. આ દરમિયાન તેમણે સનાતન વિરોધથી લઈને ચૂંટણી બોન્ડ મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત તેમણે 100 દિવસના પ્લાનની તૈયારીઓ અંગે પણ ખુલીને વાત કરી હતી.

ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ રદ્દ કરવા પર કહ્યું કે, ‘જ્યારે આ મામલે તેઓ (વિપક્ષ) ઈમાનદારીથી વિચારશે તો બધાને પસ્તાવો થશે. રાહુલ ગાંધી અને વિપક્ષના નેતાઓએ ઈલેક્ટોરલ બોન્ડમાં ધાંધલીના આક્ષેપ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડથી તમામને નાણાંની ટ્રેલ મળી છે. આના કારણે કોણે, ક્યાં અને કેવી રીતે નાણાં આપ્યા, તે તમામનો જવાબ મળ્યો છે.’

વડાપ્રધાન મોદીને ભારતની મુલાકાતે આવેલા એલન મસ્કની યાત્રા અને તેઓ મોદીના પ્રશંસક હોવા અંગે સવાલ કરાયો હતો. જ્યારે મોદીને પૂછવામાં આવ્યું કે, શું ભારતમાં ટેસ્લાની કારો અને સ્ટારલિંક જેવા પ્રોજેક્ટ આવશે તો તેમણે કહ્યું કે, એલન મસ્ક મોદીના પ્રશંસક છે, જે અલગ બાબત છે, પરંતુ તેઓ ભારતના પ્રશંસક છે.