કર્ણાટકમાં ચૂંટણી વચ્ચે સેક્સ સ્કેન્ડલ આરોપી સાંસદ રેવન્ના જર્મની ભાગ્યા

April 29, 2024

નવી દિલ્હી/બેંગલુરુ : લોકસભાની ચૂંટણી વચ્ચે જ કર્ણાટકમાં એક સેક્સ સ્કેન્ડલે સનસની ફેલાવી દીધી છે. કેમ કે આ સેક્સ સ્કેન્ડલમાં ભાજપના સાથી પક્ષ જનતા દલ સેક્યુલરના નેતા અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાનું નામ ચર્ચામાં આવ્યું છે. પ્રજ્વલ રેવન્ના સામે એસઆઇટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેવન્ના પર મહિલાઓના શોષણ અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારવાનો આરોપ છે. હાલ આવી અનેક વીડિયો ક્લિપ બહાર આવી છે. જેને કારણે કર્ણાટકનું રાજકારણ ગરમાયું છે. કર્ણાટકની એસઆઇટી હાલ પ્રજ્વલ રેવન્નાની શોધખોળ કરી રહી છે, એવા અહેવાલો સામે આવ્યા છે કે તમામ સેક્સ સ્કેન્ડલ બહાર આવ્યા બાદ રેવન્ના ચૂંટણીને અધુરી છોડીને જર્મની ભાગી ગયા છે, આશરે એક હજાર જેટલી વીડિયો ક્લિપ બહાર આવી છે. જેમાં રેવન્નાનું નામ ઉછળ્યું છે. બીજી તરફ કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલી ભાજપે આ સમગ્ર મામલાને સાઇડલાઇન કરી દીધો છે. પ્રજ્વલ રેવન્ના હાલ હાસનથી લોકસભાના સાંસદ છે, તેઓ આ વખતે પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમની આ બેઠક પર ૨૬મી એપ્રીલે મતદાન થઇ ગયું હતું જે બાદ આ સેક્સ સ્કેન્ડલ ચર્ચામાં આવ્યું છે. જોકે ૭મી મેએ હજુ બાકી બેઠકો પર મતદાન થવાનું છે. જેના પર આ સમગ્ર વિવાદની અસર થઇ શકે છે.  આ સમગ્ર મામલે હાલ કર્ણાટકના હોલેનાસીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં પૂર્વ મંત્રી એચ ડી રેવન્ના અને તેમના પુત્ર તેમજ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આરોપી બનાવવામાં આવ્યા છે. બન્ને સામે આ ફરિયાદ તેમની જ મહિલા કૂક દ્વારા કરવામાં આવી છે. મહિલાએ દાવો કર્યો છે કે હું રેવન્નાના પત્ની ભવાનીની સંબંધી છું. તેણે આરોપ લગાવ્યો હતો કે મે કૂક તરીકે રેવન્નાના ઘરે કામ શરૂ કર્યું તેના ચાર મહિના બાદ રેવન્નાએ મારુ શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું, જ્યારે તેનો પુત્ર પ્રજ્વલ રેવન્ના મારી પુત્રીને વીડિયો કોલ કરતો હતો અને ગંદી વાતો કરતો હતો. મારા પરિવાર અને મારા જીવને જોખમ છે. એચડી રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પુત્ર છે જ્યારે પ્રજ્વલ રેવન્ના તેમનો પૌત્ર છે.  હાલ પિતા અને પુત્ર બન્નેને આરોપી બનાવીને એસઆઇટી દ્વારા સમગ્ર સેક્સ સ્કેન્ડલની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ સ્થિતિ વચ્ચે જેડીએસ અને ભાજપ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ ખૂદ આરોપી પ્રજ્વલ રેવન્નાએ પણ ફરિયાદ દાખલ કરાવી છે અને દાવો કર્યો છે કે વાયરલ થઇ રહેલા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. જોકે આ ફરિયાદ દાખલ કરાવીને તેઓ જર્મની જતા રહ્યા હતા. જ્યારે ભાજપના રાજ્યના પ્રવક્તા એસ. પ્રકાશે કહ્યું હતું કે એક પાર્ટી તરીકે અમારે આ વીડિયો સાથે કઇ લેવાદેવા નથી, કથિત સેક્સ સ્કેન્ડલમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી એસઆઇટી અંગે પણ કોઇ નિવેદન નથી આપવું.