હમાસના આતંકીઓ દ્વારા પેલેસ્ટાઇનની બેન્કમાંથી 580 કરોડ રૂપિયાની લૂંટ

May 06, 2024

ઇઝરાયેલ સાથે યુદ્ધ વચ્ચે હમાસના આતંકીઓએ બેંકો લૂટવાનું શરૂ કરી દીધુ છે. આ દાવો ફ્રાંસના એક અખબાર દ્વારા કરાયો છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગયા મહિને બેન્ક ઓફ પેલેસ્ટાઇનમાંથી ૭૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૫૮૦ કરોડ રૂપિયા લૂંટીને હથિયારધારી ગેંગ ફરાર થઇ ગઇ હતી, જેમાં હમાસના આતંકીઓ પણ સામેલ હતા. ઇઝરાયેલના હુમલાને પગલે ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે, લોકો પાસે પુરતુ ભોજન પણ નથી. આ સ્થિતિ વચ્ચે હમાસ દ્વારા પેલેસ્ટાઇનની બેન્કને લૂંટવામાં આવી હતી. ફ્રાંસના અખબાર લે મોંડેએ પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે બેંક ઓફ પેલેસ્ટાઇનની જુદી જુદી બ્રાંચમાં આ લૂટ ચલાવવામાં આવી હતી. બેંકના દસ્તાવેજોના આધારે આ દાવો અખબારે કર્યો હતો. જેમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બેંકની તિજોરી સુધી પહોંચવા માટે છતમાં છેદ કરવામાં આવ્યો હતો. જે બેન્કમાં આ લૂંટ ચલાવવામાં આવી તેની સ્થાપના ૧૯૬૦માં કરવામાં આવી હતી અને ગાઝામાં પણ તેની અનેક બ્રાન્ચ આવેલી છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના ટોચના અધિકારી સિંડી મૈક્કેને જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધના છ મહિનાથી વધુનો સમય વીતી જવા અને પેલેસ્ટાઇન ક્ષેત્રમાં ખાદ્ય સામગ્રી મોકલવા પર ઇઝરાયેલ દ્વારા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને પગલે હાલ ગાઝામાં ભુખમરો ફાટી નીકળ્યો છે. ઇઝરાયેલના આકરા પ્રતિબંધોને કારણે ઉત્તરી ગાઝાની સ્થિતિ વધુ કફોડી છે. જે અત્યંત ભયાવહ છે. જેને પગલે તાત્કાલીક ગાઝમાં સહાય પહોંચાડવી પડશે. ઇઝરાયેલના હુમલાઓને કારણે ગાઝામાં ભારે આર્થિક કટોકટી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આશરે ૨૩ લાખ લોકો રહે છે.