દેશના 140 કરોડ લોકોની સેવા જ મારી સાચી ઊર્જા : વડાપ્રધાન મોદી

May 05, 2024

દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ચારેકોર ચૂંટણી પ્રચારની જવાબદારી પોતાને શીરે લીધી છે. દેશના ખૂણે ખૂણે ઉમેદવારોના પ્રચાર માટેની વ્યવસ્થા કરી છે. ત્યારે તેઓ પોતાના વતન અને મુખ્ય કર્મભૂમી એવા ગુજરાતમાં બે દિવસના ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. બે દિવસમાં છ સભાઓ અને બેઠકોના દૌર વચ્ચે ગુજરાત સમાચાર સાથે તેમણે ઉમદા સમય પસાર કર્યો. નરેન્દ્ર મોદી દ્વારા રાજકારણની આંટીઘંટી અને લોક કલ્યાણના સંકલ્પના આગળ વધારતા દેશના લોકસેવક તરીકેની કામગીરીને ન્યાય આપવાના પોતાના મનોબળ અને વલણને ગુજરાત સમાચાર સમક્ષ વ્યક્ત કર્યા હતાં. માત્ર ચૂંટણી જીતવી કે સત્તા મેળવવાના ધ્યેય સાથે નહીં પણ પ્રજાનું કલ્યાણ થાય અને દેશનું વિશ્વક્શાએ નામ થાય તેને ચોવીસે કલાક મનોજગતમાં રાખીને કામ કરવાની વૃત્તિ જ દેશના દરેક નેતા અને સાંસદમાં હોવી જોઈએ તેવું તે અંગત રીતે માને છે અને પોતાના કાર્યો દ્વારા ઉદાહરણ પણ પૂરા પાડે છે. પોલિટિક્સને પ્રોફેશન નહીં પણ દેશના વિકાસનું વિઝન બનાવીને રાજસત્તા પ્રાપ્ત કરવાનું સાચું રિઝન બનાવ્યું છે. 


ગુજરાતને વિકાસનું મોડલ સ્ટેટ બનાવીને રાષ્ટ્રીય રાજકારણના શ્રીગણેશ કરનારા પીએમ મોદી હવે આગામી સમયમાં આ મોડલને વૈશ્વિક ધોરણે કેવી રીતે આગળ લઈ જશે જેથી રાજ્ય અને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની શકશે તેવી ગુજરાત સમાચાર અને ગુજરાતની જનતાના મનની વાત વિશે તેમની સાથે ચર્ચા થઈ. ગુજરાતને મોડલ સ્ટેટ વધુ ગુજરાત ગણાવતા પીએમ મોદીએ તેમના સુચક સ્મિત સાથે રાજ્ય સરકારની કામગીરી અને કેન્દ્ર સરકારના વિઝનને બિરદાવવાનો આભાર માન્યો. ખૂબ જ સહજ રીતે તેમણે જણાવ્યું કે, વિકાસ કરવાનું વિચારબીજ મસ્તિસ્કમાં હતું. ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા બાદ આ વિચારબીજનું કામગીરી દ્વારા વાવેતર કરવામાં આવ્યું. એક દાયકાના અથાગ પ્રયાસ બાદ આ વિચારબીજ વિકસીને વટવૃક્ષ થઈ ગયું.


તેમણે આગળ કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રના ગ્રોથનું એન્જિન બનાવવાનું જ વિઝન રાખીને કામ શરૂ કરાયું હતું. દરેક વ્યક્તિનો વિકાસ થાય અને તેનાથી જ ઉપર આગળ વધતા વધતા રાજ્યનો અને રાષ્ટ્રનો વિકાસ થાય તેવું મોડલ અમે અપનાવ્યું હતું. અહીંયા ઉદ્યોગોને તક મળી, વિચારને વેગ મળે, આતુરતાને અવસર મળે અને દરેકને રોજગાર તથા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે રીતે સર્વગ્રાની મોડલ વિકસાવવામાં આવ્યું હતું. અમે સર્વાંગી કલ્યાણ માટે ખેડૂતોથી લઈને ઉદ્યોગ સુધીની વ્યાપક કામગીરી નિભાવી. 
દેશમાં એક એવો સમય હતો જ્યારે દેશનો વિકાસદર નીચે જતો હતો. તે સમયે ગુજરાતે વિકાસની હરણફાળ ભરવાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતમાં જ્યારે વિકાસની વાત થતી હતી ત્યારે કેન્દ્રમાં રહેલા વિરોધી પરિબળો દ્વારા ગુજરાતને અન્યાય કરવાનું વધુ પ્રબળ રીતે શરૂ કરાયું હતું. આફતને અવસર બનાવવાની વિચારધારાને વરેલા મોદીએ કટાક્ષ કરતા હોય તેમ જણાવ્યું કે, હું વિરોધના પ્રવાહની સામે તરનારો તરવૈયો છું. મને વિરોધી વાયરામાં જ વિહાર કરવો ગમે છે. ત્યારે અમે 'દેશ કે વિકાસ કે લિયે ગુજરાત કા વિકાસ'ની વાત કરી હતી.