'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની જેવા દેખાય છે', સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ

May 08, 2024

લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે વધુ એક નિવેદનથી ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા એ દેશમાં વિવિધતાની વાત કરતા સમયે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.' પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે. સામ પિત્રોડાએ કહ્યું કે 'આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.' સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 'સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.'