'આ મારી છેલ્લી ચૂંટણી, બીજાને તક મળે...' કોંગ્રેસના દિગ્ગજ નેતાની જાહેરાતથી બધા જ હતપ્રભ

May 07, 2024

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આજે (સામમી મે) ત્રીજા તબક્કાના મતદાનના દિવસે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે,'આ મારી છેલ્લી ચૂંટણી છે કારણ કે હું 77 વર્ષનો છું. હવે નવા લોકોને તક આપવી જોઈએ.' કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજગઢ બેઠકથી ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું કે, 'કોંગ્રેસના કાર્યકરોને 100 મીટરના દાયરાની બહાર ધકેલવામાં આવી રહ્યા છે. ભાજપના નેતાઓ 100 મીટરના દાયરામાં છે અને તેમની પાસે ભગવાન રામના બેનરો અને પોસ્ટરો છે. કોંગ્રેસના નેતા પંકજ યાદવ પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ વધુ ગુનાહિત વલણ ધરાવતા ભાજપના લોકો આઝાદ ફરે છે.' કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઈવીએમ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'ચચૌરામાં મતદાન મથક નંબર 24 પર મશીન કહે છે કે 50 મત પડ્યા છે, જ્યારે ત્યાં માત્ર 11 મત પડ્યા છે.' આ ઉપરાંત તેમણે કહ્યું કે, 'આ મારી છેલ્લી ચૂંટણી છે કારણ કે હું 77 વર્ષનો છું. નવા લોકોને તક આપવી જોઈએ.' દિગ્વિજય સિંહ 33 વર્ષ બાદ મધ્યપ્રદેશની રાજગઢ લોકસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે વર્તમાન સાંસદ રોડમલ નાગરને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. અહીં બીએસપી તરફથી ડૉ.રાજેન્દ્ર સૂર્યવંશી મેદાનમાં છે.