ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 બેઠક પર થશે મતદાન

May 05, 2024

દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના બે તબક્કામાં 180 બેઠકો પર ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. હવે ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કામાં કોંગ્રેસ પાસે ગુમાવવા માટે કંઈ નથી. જ્યારે બીજેપીએ દેશમાં સત્તાની હેટ્રિક લગાવવા માટે પોતાની જીતેલી બેઠકોને બચાવી રાખવાનો પડકાર છે... આ ફેઝના મતદાન પછી અડધાથી વધારે લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઈ જશે..

આ ત્રણ તબક્કામાં જેનું પલડું ભારે રહેશે તેના નામે 2024ની સત્તાની ચાવી હશે. આ તમામ દ્રશ્યો ત્રીજા તબક્કાના મતદાન પહેલાં મતદારોને રિઝવવા માટેના રાજકીય પક્ષોના છે. કેમ કે, સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જતાં રાજકીય પક્ષો ચૂંટણી રેલી કે જંગી જનસભાઓ કરી શકશે નહીં. જેના કારણે મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે રાજકીય પક્ષોએ વિવિધ માધ્યમોથી પ્રચાર કર્યો છે. પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે. ત્યારે રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે. તો રાજકીય પક્ષો આ વખતની ચૂંટણીમાં પરિણામ બદલાશે તેવો દાવો કરી રહ્યા છે. ત્રીજા તબક્કાના મતદાનમાં અનેક મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે. જેમાં મધ્ય પ્રદેશમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક કેન્દ્રીય મંત્રી લડી રહ્યા છે. વિદિશા બેઠક પરથી શિવરાજસિંહ ચૌહાણ, ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા તો રાજગઢ બેઠક પરથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ ચૂંટણી લડી રહ્યા છે.