સોલાપુરની કાપડની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, માલિક સહિત 8 લોકોના મોત

May 19, 2025

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રવિવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી 3 મહિલાઓ અને 1 બાળક સહિત 8 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મુંબઈથી લગભગ 400 કિમી દૂર સોલાપુર MIDCમાં અક્કલકોટ રોડ પર સ્થિત સેન્ટ્રલ ટેક્સટાઈલ મિલ્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, કાપડ મિલોમાં વહેલી સવારે લગભગ 3:45 વાગ્યે આગ લાગી હતી. PM મોદીએ મહારાષ્ટ્રના સોલાપુરમાં લાગેલી ભીષણ આગમાં થયેલા મોતને લઇને દુઃખ વ્યક્ત કર્યુ છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. પીએમ મોદીએ મૃતકના પરિજનને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

મૃતકોમાં ફેક્ટરી માલિક હાજી ઉસ્માન હસનભાઈ મન્સુરી, તેમના દોઢ વર્ષના પૌત્ર સહિત તેમના પરિવારના ત્રણ સભ્યો અને 4 કામદારોનો સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં 3 મહિલાઓ પણ સામેલ છે. ભીષણ આગ અને ધુમાડાના કારણે, ફાયર વિભાગના કર્મચારીઓને આગ પર કાબુ મેળવવામાં 5થી 6 કલાકનો સમય લાગ્યો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં ફેક્ટરી માલિક અને તેનો પરિવાર ફસાઈ ગયા હતા.

આ ઉપરાંત ફેક્ટરીની અંદર રહેલા 4 કામદારો પણ આગની જ્વાળાઓમાં ઘેરાયેલા હતા. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ. મળતી માહિતી મુજબ, લગભગ પાંચ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.