પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'

July 12, 2025

અમદાવાદ  : 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ 171ના ક્રેશ થવા અંગેનો પ્રાથમિક રિપોર્ટ શનિવારે(12 જુલાઈ) જાહેર કરાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વિમાનના બંને એન્જિનને ફ્યુલ સપ્લાય આપનારી સ્વિચ ઉડાનના થોડા સેકન્ડ બાદ બંધ થઈ ગઈ હતી. નિવૃત્ત પાયલટ આલોક સિંહે આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'વિમાનના કોકપિટમાં ફ્યુલ સ્વિચ એવી હોઈ છે જે ભૂલથી સ્વિચ ઓફ ન થઈ શકે. આ સ્વિચોને સુરક્ષાના કારણોથી સુરક્ષિત કરાઈ છે. જો આ સ્વિચ ઓફ થઈ છે તો તેનું કારણ પાયલટની ભૂલ હોઈ શકે છે અથવા તો પછી ટેક્નિકલ ખામી.'
પ્રાથમિક રિપોર્ટ અનુસાર, કોકપિટમાં એક પાયલટે બીજા પાયલટને પૂછ્યું હતું કે, તેમણે ઇંધણ સ્વિચ બંધ કરી, જેનો જવાબ મળ્યો કે તેણે આવું નથી કર્યું. તેનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સ્વિચ બંધ કરવી તે જાણીજોઈને નહોતું થયું અને આ એક ટેક્નિકલ ખામી હોઈ શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ફ્લાઈટના ટેક-ઓફના તુરંત બાદ બંને એન્જિનનો પાવર બંધ થઈ ગયો હતો. જો કે, પાયલટોએ સ્થિતિને સંભાળતા બંને એન્જિનને ફરીથી સ્ટાર્ટ કરવાના પ્રયાસ કર્યા, પરંતુ માત્ર એક એન્જિનમાં જ પાવર સ્ટાર્ટ થઈ શક્યો. 

મેડે...મેડે...મેડે...નો કોલ જાહેર કર્યા બાદ વિમાન થોડા જ સેકન્ડમાં અમદાવાદ એરપોર્ટની બહાર એક મેડિકલ કોલેજની હોસ્ટેલથી ટકરાઇ ગયું. દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા છે, જ્યારે જમીન પર 19 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે કો-પાયલટ વિમાન ઉડાવી રહ્યા હતા અને કેપ્ટન દેખરેખ રાખી રહ્યા હતા. ટેક-ઓફ અને ક્રેશ વચ્ચેનો સમય માત્ર 32 સેકન્ડનો હતો.