બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત

May 06, 2025

પાકિસ્તાની સેનાનું વાહન IED બ્લાસ્ટથી ઉડાવાયું


ગેશ્તરી : બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની વાહનમાં ભયાનક IED વિસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં સેનાના એક અધિકારી સહિત 6 જવાનોના મોત અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાના વાહને અમીર પોસ્ટ અને અલી ખાન બેઝ વચ્ચે ઉડાવી દેવાયું છે. ઘટનાની જાણ થતા સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બલૂચિસ્તાનના ગેશ્તરી વિસ્તાર સ્થિત અમીર પોસ્ટ અને અલી ખાન બેઝ વચ્ચેથી પાકિસ્તાની સેનાનું વાહન પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન બલૂચ વિદ્રોહીઓએ વાહન પર અચાનક હુમલો કરી IED બ્લાસ્ટથી ઉડાવી દીધું છે. આ ઘટનામાં સેનાના સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (SOC)ના તારિક ઈમરાન સહિત છ સૈનિકો માર્યા ગયા અને પાંચ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં તારિક ઈમરાન, નાઈક આસિફ, સુબેદાર ફારૂક, નાઈક મશકૂર, સિપાહી વાજિદ અને સિપાહી કાશિફનો સમાવેશ થાય છે. અહેવાલો મુજબ બલૂચિસ્તાનમાં વધતી અશાંતિ અને બલૂચ લિબરેશન આર્મી (BLA) જેવા જૂથો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે.


બલૂચિસ્તાનના કેટ્ટા સ્થિત માર્ગટ વિસ્તારમાં 26 એપ્રિલે પાકિસ્તાની સેનાના વાહન પર હુમલો થયો હતો, જેમાં 10 સૈનિકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી બીએલએએ લીધી હતી અને તેણે દાવો કર્યો હતો કે, ‘આ હુમલો રિમોટ-કંટ્રોલ ઈમ્પ્રોવાઈજ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) દ્વારા કરાયો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણ નાથ પામ્યું હતું.