અમેરિકાના રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ્રિસ્તી ધર્મગુરૂ પદે નિમણૂક

May 09, 2025

વોશિંગ્ટન : અમેરિકાના ધર્મગુરૂ રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ્રિસ્તી ધર્મગુરૂ (નવા પોપ) પદે નિમણૂક થઈ છે. અમેરિકામાંથી પોપ બનનારા તેઓ પ્રથમ કાર્ડિનલ છે. બે દિવસ ચાલેલી ઊંડી ચર્ચા-વિચારણા બાદ પ્રીવોસ્ટને પોપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હવે તેઓ પોપ લિઓ XIV તરીકે ઓળખાશે. 


ગઈકાલે ગુરૂવારે 8 મે, 2025ના રોજ સાંજે પોપ લિઓ સેન્ટ પીટર્સ બેસિલિકાની સેન્ટ્રલ બાલકનીમાં આવ્યા. જ્યાં સિસ્ટન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળ્યો. આશરે 70 મિનિટ બાદ નવા પોપનો સ્પષ્ટ ચહેરો દેખાયો. 133 કાર્ડિનલ પસંદગીકારોએ કેથેલિક ચર્ચ માટે પ્રથમ વખત કોઈ અમેરિકન રોબર્ટ પ્રીવોસ્ટની પસંદગી કરી છે. ફ્રાન્સના કાર્ડિલન ડોમિનિક મામ્બર્ટીએ સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં એકઠાં થયેલા લોકોની વચ્ચે જઈ ઘોષણા કરી હતી કે, અમારી પાસે એક નવા પોપ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટની પોપ લિઓ XIV તરીકે પસંદગી થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ. તેમના નેતૃત્વમાં શાંતિ, કરૂણા અને માનવતાની સેવાને પ્રોત્સાહન મળશે. આ ઐતિહાસિક અવસર પર કેથલિક સમુદાયને મારી શુભેચ્છાઓ. વેટિકનમાં કેથલિક ચર્ચને નવા પોપ મળતાં જ ત્યાં ઉમટી પડેલી હજારોની ભીડે તેમનું સ્વાગત કર્યું હતું.
શિકાગોમાં જન્મેલા 69 વર્ષીય પ્રીવોસ્ટ ઓગસ્ટિનિયન ઓર્ડરના સભ્ય હતા. તેમણે મોટાપાયે સેવાઓ કરી હતી. 2023માં બિશપના ડિકાસ્ટરીના પ્રિફેક્ટ અને લેટિન અમેરિકામાં પોંટિફિકલ કમિશનના અધ્યક્ષ હતાં. પોપ ફ્રાન્સિસ લિઓ XIV તરીકે ઓળખાશે.