બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી

July 11, 2025

નવ લોકોના આઈડી જોઈને ગોળી મારી


પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો હુમલો થયો છે. જેમાં હુમલાખોરોએ નવ લોકોની ગોળી મારી હત્યા કરી દીધી છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ એક ચાલુ બસને અટકાવી તેમાંથી મુસાફરોને નીચે ઉતારી ગોળીથી વીંધી નાખ્યા હતાં. બલૂચિસ્તાનના અધિકારીએ આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. 


આ હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોની હત્યા થઈ છે. ક્વેટાથી લાહોર જતી બસમાં સવાર મુસાફરોને નીચે ઉતારી અપહરણ કર્યું હતું, બાદમાં તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ દુર્ઘટના ઉત્તરીય બલૂચિસ્તાન નજીક સ્થિત ઝોબ શહેરની છે. 


પ્રત્યક્ષદર્શી  મુજબ, હુમલાખોરોએ અચાનક ચાલુ બસને અટકાવી હતી. બાદમાં બંદૂકના જોરે મુસાફરોને નીચે ઉતરવા કહ્યું. તેમનું અપહરણ કર્યું અને બાદમાં નવ લોકોના આઈડી ચેક કરી તેમની હત્યા કરી દીધી. મૃતદેહોને બલૂચિસ્તાનના બારખાન જિલ્લાના રેખની હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રદેશ સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ હુમલાની નિંદા કરતાં તેને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. હુમલાખોરો રાત્રે હુમલો કર્યા બાદ ફરાર છે. તેમની તપાસ ચાલુ છે.