પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવાની તૈયારી, નેતન્યાહૂ-ટ્રમ્પનો મેગાપ્લાન તૈયાર

July 08, 2025

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. ગયા સોમવારે, યુએસ પ્રમુખ ટ્રમ્પ અને નેતન્યાહૂએ વ્હાઇટ હાઉસમાં ડીનર કર્યું હતું. આ દરમિયાન, ગાઝામાં યુદ્ધવિરામના મુદ્દા પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝાવાસીઓને સ્થળાંતર કરવાના વિવાદાસ્પદ પ્રયાસોનો પણ સંકેત આપ્યો છે. ટ્રમ્પ દ્વારા આયોજિત ડીનરની શરૂઆતમાં, નેતન્યાહૂએ કહ્યું કે, 'અમેરિકા અને ઇઝરાયલ પેલેસ્ટિનિયનોને અન્ય દેશોમાં વસાવવા માટેના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. અમે પેલેસ્ટિનિયનોને સારું ભવિષ્ય આપવા માંગીએ છીએ. આવી સ્થિતિમાં ગાઝાના લોકોને પડોશી દેશોમાં શિફ્ટ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.' નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે, 'જો પેલેસ્ટિનિયનો ગાઝામાં રહેવા માંગતા હોય, તો તેઓ રહી શકે છે પરંતુ જો તેઓ સ્થળાંતર કરવા માંગતા હોય, તો તેઓએ જવું જોઈએ. અમે આ લોકો માટે એવા દેશો શોધવા માંગીએ છીએ, જ્યાં તેમને સ્થળાંતરિત કરી શકાય. અમે આવા દેશો શોધવાની નજીક છીએ. પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવા અંગે નેતન્યાહૂએ કહ્યું કે, 'ઇઝરાયલ અને અમેરિકા એવા દેશ બાબતે વિચાર કરી રહ્યા છે જે પેલેસ્ટાઇનના નાગરિકોને શરણ આપવા માટે તૈયાર હોય.'  અગાઉ ટ્રમ્પે ગાઝા માટે 5-મુદ્દાની યોજના તૈયાર કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'પેલેસ્ટિનિયનોએ ગાઝા પટ્ટી ખાલી કરવી પડશે. તેમણે ઇજિપ્ત, જોર્ડન અને અન્ય દેશોમાં કાયમી રીતે સ્થાયી થવું જોઈએ. હવે ગાઝા રહેવા યોગ્ય નથી. ગાઝા ખાલી કર્યા પછી, અહીં પુનર્નિર્માણ કાર્ય ખૂબ જ જોશથી કરવામાં આવશે અને ગાઝા મધ્ય પૂર્વના રિવેરા બની જશે.' આ અંગે ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, 'અમે ગાઝાને મધ્ય પૂર્વનો રિવેરા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રિવેરાએ ઇટાલિયન શબ્દ છે, જેનો અર્થ દરિયાકિનારો થાય છે. ફ્રેન્ચ રિવેરા અને ઇટાલિયન રિવેરા સમગ્ર વિશ્વમાં તેમના પર્યટન માટે પ્રખ્યાત છે. તે જ રીતે ટ્રમ્પ ગાઝાને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા માંગે છે. આ ટ્રમ્પ અને નેતન્યાહૂની ત્રીજી મુલાકાત છે.બંને નેતાઓની એવા સમયે મુલાકાત થઈ જ્યારે ઇઝરાયલી અધિકારીઓ હમાસ સાથે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ વાટાઘાટોમાં અમેરિકા પણ મધ્યસ્થી છે. આ કરાર અંગે વાતચીતનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે.