બુમરાહની એન્ટ્રી થતાં જ ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીનું કપાશે પત્તું, જાણો કેવી હોઈ શકે પ્લેઈંગ-11

July 08, 2025

બર્મિંઘમ ટેસ્ટમાં જીત બાદ ભારતે એન્ડરસન-તેંડુલકર સીરિઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. સીરિઝની ત્રીજી મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સમાં રમાશે. આ મેચ માટે ભારતના પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર નક્કી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરવા જઈ રહ્યો છે, પરંતુ આ સિવાય પણ કેટલાક ફેરફારો થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કહ્યું કે, ત્રીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઇલેવન પસંદ કરવું એ ભારત માટે મોટો માથાનો દુ:ખાવો છે. તેણે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીની ભૂમિકા અંગે વાત કરી. નીતિશ કુમાર રેડ્ડી લીડ્સ ટેસ્ટ નહોતો રમ્યો. ત્યારબાદ તેને એજબેસ્ટનમાં તક આપવામાં આવી. તેણે બંને ઈનિંગ્સમાં માત્ર 2 જ રન બનાવ્યા અને માત્ર 6 ઓવર બોલિંગ કરી. રેડ્ડીને એક પણ વિકેટ નહોતી મળી. માઈકલ ક્લાર્કે પોતાના પોડકાસ્ટ પર કહ્યું, 'મારે જાણવું છે કે, તેઓ નીતિશ કુમાર રેડ્ડી સાથે શું કરે છે. શું તેઓ તેને ટીમમાં રાખશે? આ મેચમાં તેની પાસે કરવા માટે વધુ કંઈ નહોતું. આપણે જોયું કે તે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિમાં શું કરી શકે છે. તે ચોક્કસપણે કેટલાક મહત્વપૂર્ણ રન બનાવી શકે છે. જો જરૂર પડે તો, તે કેટલીક ઉપયોગી ઓવર પણ ફેંકી શકે છે. ટીમ તેના વિશે વિચારશે.' એજબેસ્ટન ટેસ્ટ બાદ શુભમન ગિલે સ્પષ્ટ કરી દીધું હતું કે, જસપ્રીત બુમરાહની લોર્ડ્સમાં વાપસી થશે. આવી સ્થિતિમાં એક પેસરનું બહાર થવું નક્કી છે. સિરાજ અને આકાશદીપ બંનેએ ખુદને સાબિત કર્યા છે, આવી સ્થિતિમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું બહાર થવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ અંગે ક્લાર્કે કહ્યું કે, મને લાગે છે કે બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ બનશે. મને લાગે છે કે બુમરાહની વાપસી માટે તેને આરામ આપવામાં આવશે અથવા રોટેટ કરવામાં આવશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 10 જુલાઈથી શરૂ થશે. બુમરાહની વાપસીથી ટીમ મજબૂત બનશે. જોકે, બેટ્સમેનોએ સાવધ રહેવું પડશે કારણ કે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની પણ ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી થશે.