ભારતે પાણી રોકતા પાકિસ્તાનમાં ખરીફ પાકમાં ભારે નુકસાનનો દાવો, ચિનાબનું જળસ્તર માત્ર બે ફૂટ થયું

May 06, 2025

પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ભારતે સિંધુ જળસંધિને પહેલાથી જ સ્થગિત કરી દીધી છે અને હવે ચિનાબ નદી પરના બગલીહાર અને સલાલ બંધના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જોના કારણે પાકિસ્તાન તરફ વહેતું ચિનાબ નદીનું પાણી સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે અને પડોશી દેશ ખરીફ પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદને કારણે પહાડોમાં ઘણું પાણી જમા થઈ ગયું છે. આ દરમિયાન સાલાર ડેમના ઘણા દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકારે પાકિસ્તાન તરફ વહેતું પાણી સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. આ ઉપરાંત રામબનમાં બગલીહાર ડેમના દરવાજા બંધ થયા પછી, ચિનાબ નદીનો પ્રવાહ ઘણો ઓછો થઈ ગયો છે. ચિનાબ નદીના પાણીમાં ઘટાડો થવાથી પાકિસ્તાનની ખેતી અને પર્યાવરણ બંને પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્થાનિકોના મતે નદીનું પાણીનું સ્તર જે પહેલા 25-30 ફૂટ સુધી પહોંચતું હતું, તે હવે માંડ 2 ફૂટ પાણી સાથે વહી રહ્યું છે. હવે પાણી ઓસરી ગયા છે.  ભારતમાંથી પાકિસ્તાનમાં પ્રવેશતી ચિનાબ અને અન્ય નદીઓનું પાણી રોકવામાં આવી રહ્યું છે. આ પછી ઈસ્લામાબાદની સિંધુ નદી પ્રણાલી સત્તામંડળ (IRSA) સલાહકાર સમિતિએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. IRSA કહે છે કે, આનાથી પાકિસ્તાનમાં ખરીફ સિઝનની શરૂઆતમાં 21 ટકા પાણીની અછત સર્જાઈ શકે છે, જેના કારણે પાકને ભારે નુકસાન થઈ શકે છે. જો ભારત-પાકિસ્તાનની પશ્ચિમ તરફ વહેતી નદીઓ પર પોતાનો નિયંત્રણ મજબૂત બનાવે છે અને વર્તમાન પરિસ્થિતિ યથાવત રહે છે, તો પાકિસ્તાનને ખરીફ ઋતુ દરમિયાન પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાન હવે દૈનિક ધોરણે પાણી પુરવઠા પર નજર રાખી રહ્યું છે અને જો ચિનાબ નદીના પ્રવાહમાં ઘટાડો ચાલુ રહેશે તો ખરીફ સિઝનના અંતે પાણીની ખાધ લગભગ 7 ટકા રહેવાની ધારણા છે.