કેનેડાનો મોટો નિર્ણય! 2027માં 2 લાખ લોકોને PR મેળવવામાં મદદ મળશે, પરંતુ કોને મળશે આ તક?

November 18, 2026

ઘણા વર્ષોથી કેનેડામાં રહીને કામ કરતા અને પોતાના પરિવાર સાથે ત્યાં ભવિષ્ય બનાવવાનું સપનું જોતા લોકો માટે કેનેડા સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
12 નવેમ્બર 2026ના રોજ કેનેડાનાં ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયબ (Lena Metlege Diab) એ નવી સમયમર્યાદિત વ્યવસ્થાની વિગતો જાહેર કરી હતી.
આ યોજના હેઠળ 2027માં કેનેડામાં પહેલેથી રહેતા વધુમાં વધુ 2 લાખ લોકોને Permanent Residence (PR) મેળવવામાં મદદ કરવામાં આવશે.
આ વ્યવસ્થાના બે મુખ્ય વિભાગ છે.
1. કામદારો માટે 1 લાખ સુધીની તકો
કેનેડામાં પહેલેથી કામ કરતા અને ત્યાંના સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપતા વધુમાં વધુ 1 લાખ કામદારો તથા તેમના પરિવારોને PR તરફ આગળ વધારવામાં આવશે. તેમાં Provincial Nominee Program (PNP) અને કેટલીક પસંદગીની ફેડરલ ઇમિગ્રેશન અરજીઓનો સમાવેશ થાય છે.
2. પસંદગીના અરજદારો માટે 1 લાખ સુધીની તકો
બીજા વિભાગમાં પહેલેથી કેનેડામાં રહેતા પસંદગીના અરજદારોનો સમાવેશ થશે. તેમાં હોંગકોંગના PR અરજદારો, યુક્રેન ફેમિલી રિયુનિફિકેશન પાથવે હેઠળના અરજદારો, કેટલીક Humanitarian અરજીઓ અને કેનેડાના નાગરિકો અથવા PR ધારકોના જીવનસાથી તથા બાળકોનો સમાવેશ થાય છે.
ખાસ નોંધ: આ વિદેશમાંથી નવા અરજદારો માટે 2 લાખ નવી PR જગ્યાઓ નથી. આ વ્યવસ્થા પહેલેથી કેનેડામાં રહેતા ચોક્કસ વર્ગના લોકો માટે છે. નવી યોજના માટે અલગથી અરજી કરવાની કે બંધ થયેલા કાર્યક્રમો ફરી શરૂ થવાની જાહેરાત પણ કરવામાં આવી નથી.
આ નિર્ણયનો મુખ્ય હેતુ પહેલેથી કેનેડામાં સ્થાયી થયેલા લોકોને વધુ સ્થિર ભવિષ્ય આપવાનો અને લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓની પ્રક્રિયા આગળ વધારવાનો છે.