ભારત-પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતા જાળવવા ચીનની અપીલ

May 09, 2025

પહલગામ : ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર ચીને મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનને સમર્થન આપી રહેલા ચીને હવે આતંકવાદનો વિરોધ કર્યો છે. તેમજ બંને દેશોને તણાવ ઘટાડવા માટે અપીલ કરી છે. ચીને બંને દેશોની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને ભારત-પાકિસ્તાન તણાવ પર કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ મુદ્દે ચિંતિંત છીએ. ચીન દરેક રીતે આતંકવાદનો વિરોધ કરી રહ્યું છે. અમે બંને પક્ષોને શાંતિ, સ્થિરતાના હિતમાં કામ કરવા, સંયમ રાખવા તેમજ આ પ્રકારના કાર્યવાહીઓથી બચવા અપીલ કરી છે. બંને દેશોને યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ધ્યાન રાખવા અપીલ કરી છે.


ચીને બંને દેશો વચ્ચેની તંગદિલીનો ઉકેલ લાવવા મદદ કરવાની ઓફર મૂકી છે. જિન લિયાને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન એકબીજાના પડોશી દેશ છે અને હંમેશા રહેશે. ચીન પણ બંનેનો પડોશી દેશ છે. અમે વર્તમાન તંગદિલી ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર છીએ. આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળી અમે મધ્યસ્થી તરીકે કામ કરવા તૈયાર છીએ.


ઓપરેશન સિંદૂર વિશે ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પણ ખોટી માહિતી ફેલાવી હતી. ગ્લોબલ ટાઇમ્સે સમાચાર પ્રકાશિત કર્યા હતાં કે, ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના નવ ઠેકાણે એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરીને ભારતના ત્રણ એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા. જો કે, ભારત સરકારે આ દાવાને ખોટો ગણાવીને કહ્યું કે, ભ્રામક માહિતી ફેલાવો નહીં અને તમારા સ્રોત ચકાસો. આ અહેવાલ સાથે ગ્લોબલ ટાઇમ્સે ભારતના એરક્રાફ્ટ ક્રેશની જૂની તસવીરો પ્રકાશિત કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.