દક્ષિણ 24 પરગણામાં ISF કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ

April 15, 2025

પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં સોમવારે હિંસા ભડકી હતી. ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતાં રોકવામાં આવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. ISF કાર્યકરો ઉગ્ર બની ગયાં હતાં તે પછી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો અને ભીડને વિખેરી નાખી હતી.

જો કે આ દરમિયાન તોફાની ભીડે પોલીસના એક વાહનની ક્ષતવિક્ષત કરી નાખ્યું હતું અને અનેક ખાનગી વાહનોને સળગાવી દીધા હતાં. અહેવાલો અનુસાર વકફ સુધારા એક્ટની વિરુદ્ધમાં કોલકાતામાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેમાં ભાગ લેવા માટે બસોમાં કોલકાતા તરફ જઈ રહેલાં ISF સમર્થકોને રસ્તામાં જ રોકી દેવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સિવાય એકમાત્ર ISF છે કે જે પ્રતિનિધિત્વ ધરાવે છે. અહેવાલો અનુસાર પોલીસે જ્યારે ભાગરથી આવી રહેલાં ISFના વાહનોને કોલકાતાના રામલીલા મેદાન તરફ આગળ વધતાં રોક્યા બાદ આ કાર્યકરોએ બસંતી એક્સપ્રેસવેને પણ જામ કરી દીધો હતો. બીજી બાજુ ટીએમસીના નૌશાદ સિદ્દીકીએ કોલકાતામાં ભાષણ આપતા સમયે વકફ કાયદાની ટીકા કરી હતી.