ભારે વરસાદે વધારી ચિંતા,1મે સુધી જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે બંધ

April 29, 2024

ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાનની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારત પર અફઘાનિસ્તાનથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 1 અઠવાડિયા સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા ઓછી છે. ત્યારે વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો અહીં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત બન્યુ છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે. વરસાદના કારણે નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે. તેમજ ઉપરના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. સોનમર્ગમાં 3 ઈંચથી વધુ તાજી હિમવર્ષા થઈ છે, જેના કારણે શ્રીનગર-લેહ હાઈવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝોજિલા, સાધના ટોપ, રાઝદાન પાસ, દાવર ગુરેઝ, તુલૈલ ગુરેઝ, માછિલ, કોંગદોરી, મુખ્ય ગુલમર્ગ, સિંથાન ટોપ અને મુગલ રોડ પર પણ હિમવર્ષા થઈ છે.