રેશનની લાઈનમાં ઊભેલી ગૃહિણીઓ કરતાં તવાયફો માટે મને વધુ ખેંચાણ

May 20, 2024

મુંબઈ: રેશનની લાઈનમાં ઊભી રહેલી સામાન્ય ગૃહિણીઓ કરતાં તવાયફો પ્રત્યે હું અજબ ખેંચાણ અનુભવું છું એમ લાહોરની તવાયફોની વાર્તા કહેતી વેબ સીરીઝ 'હીરા મંડી'ના સર્જક સંજય લીલા ભણશાળીએ જણાવ્યું છે.  સંજય લીલા ભણશાળી લાહોરની અસ્સ્લ હીરા મંડીને વધુ પડતી ભપકાદાર બનાવવા માટે , આ સીરીઝમાં કેટલાંક ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવા બદલ તથા તવાયફોને આલીશાન મહેલો જેવાં ઘરમાં તથા ઘરેણાંથી લદાયેલી બતાવવા સહિતની કેટલીય બાબતો માટે ભારે ટ્રોલ થઈ રહ્યા છે. સંજય લીલા ભણશાળીએ આ પહેલાં બનાવેલી 'ગંગુ બાઈ કાઠિયાવાડી' ફિલ્મમાં પણ એક તવાયફની જ વાત કહેવામાં આવી હતી. તેમણે 'દેવદાસ' ફિલ્મમાં પણ માધુરી દીક્ષિતનાં તવાયફનાં પાત્રને મૂળ નવલકથા કરતાં વધારે આડંબર અને ભપકા સાથે રજૂ કર્યું હતું. સંજય લીલા ભણશાળીએ તવાયફો માટેનાં પોતાનાં ખેંચાણનો બચાવ કરતાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ ંહતું કે મને તવાયફો હમેશા અજબ અને  રહસ્યમયી લાગી છે. તવાયફ કહો કે રુપજીવીની કહો કે ગણિકા એ બધા અલગ અલગ છે પરંતુ એ તમામ ફરતે એક પ્રકારની એક સરખી રહસ્યમય આભા વિંટળાયેલી હોય છે. તેમનામાં એક એવી ગજબની આભા હોય છે. તેઓ પોતાના આનંદ અને ખુશી સંગીત તથા નૃત્ય દ્વારા વ્યક્ત કરે છે. તેઓ કળા, સ્થાપત્ય, વસ્ત્રાલંકારનું મહત્વ સમજતી હોય છે અને તેઓ ઉત્તમ કળાપારખુ હોય છે એમ સંજય લીલા ભણશાળીએ જણાવ્યું હતું.