ભૂખમરાંની ભયાનક સ્થિતિ, ત્રીજા ભાગની વસતી 2023માં સ્વસ્થ આહારથી વંચિત

July 26, 2024

વિશ્વની 1/3 વસ્તી, '23માં પૂરતો સ્વસ્થ આહાર મેળવી શકી ન હતી

ન્યૂ યોર્ક ઃ યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં વ્યાપી રહેલા કાળો કેર વરસાવતા ભૂખમરા અંગે અત્યંત ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે. એક તરફ દુનિયાના માત્રને માત્ર 1 ટકા લોકોએ છેલ્લાં 10 વર્ષમાં જ 42 ટ્રિલિયન ડૉલર્સ ભેગા કરી લીધા છે તો બીજી તરફ દુનિયામાં 73 કરોડ લોકો ભૂખમરાનો ભોગ બની રહ્યાં છે. વિશ્વની 1/3 જેટલી વસ્તી પૂરતો સ્વસ્થ આહાર પણ તે વર્ષમાં મેળવી શકી ન હતી. આ સંયોગોમાં પહેલાં ધારેલું નિશાન કે ૨૦૨૩ સુધીમાં ભૂખમરો દૂર કરી શકીશું પરંતુ તે વર્ષમાં જ પરિસ્થિતિ તેવી બની કે યુદ્ધો, આર્થિક સ્થિરતા અને અનિયમિત મોસમને લીધે ગત વર્ષે 73 કરોડ લોકોને મજબૂરીથી ભૂખ્યા રહેવું પડયું છે.


યુએનનો ૨૪મી જુલાઈએ પ્રસિદ્ધ થયેલો રિપોર્ટ હાથ ઊંચા કરી દેતાં સ્વીકારી લે છે કે, 2030 સુધીમાં દુનિયામાંથી ભૂખમરો દૂર કરવો અશક્ય છે. 2023માં 73 કરોડ લોકો ભૂખ્યા પેટે રહેવા મજબૂર બન્યા છે. એટલે કે દર 11માંથી 1 વ્યક્તિ ભૂખ સામે ઝઝૂમી રહી હતી. આફ્રિકામાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ત્યાં તો દર પાંચમાંથી 1 વ્યક્તિ રોજ રાત્રે ભૂખી સૂવે છે.

આ રિપોર્ટમાં યુએનની પાંચ એજન્સીઓ ખાદ્ય અને કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ, યુનિસેફ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ સાથે મળી એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. તે બ્રાઝિલમાં મળનારી જી-20 શિખર પરિષદમાં રજૂ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક ભૂખમરો ઘટાડવા માટે ખાદ્ય સુરક્ષા અને પોષણ સંબંધી ફંડીંગમાં વધારો કરવાની જરૂર છે. ભૂખમરાનું તો સંકટ છે જ. પરંતુ કુપોષણનું સંકટ પણ તેટલું જ ગંભીર છે. સ્વસ્થ ભોજન દુનિયાના મોટાભાગના લોકોની પહોંચ બહાર છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહી તો, આ દશકના અંત સુધીમાં 58 કરોડથી વધુ લોકો ગંભીર કુપોષણનો શિકાર બની જશે. તેમાં સૌથી વધુ લોકો આફ્રિકામાં હશે. આ રિપોર્ટના લેખકો પૈકીના એક અર્થશાસ્ત્રી ડેવીડ લાબોર્ડે કહ્યું હતું કે નવ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી તે કરતાં આજે વધુ ખરાબ સ્થિતિ ઉપસ્થિત થઈ છે. તે વખતે આપણે 2030 સુધીમાં દુનિયામાંથી ભૂખમરો દૂર કરવા કહ્યું હતું, પરંતુ તે શક્ય લાગતું નથી. 2023માં જ દુનિયાની 1/3 વસ્તી, સ્વસ્થ અને પૂરતો આહાર મેળવી શકી નથી.