ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાવો ભારતે ફગાવ્યો, કહ્યું- હજુ સુધી કોઈ સમજૂતી નહીં

March 11, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આ સવાલ એટલા માટે કેમ કે તેમણે દાવો કર્યો હતો ભારત ટેરિફ ઘટાડા પર રાજી થઈ ગયું છે. ભારતનું કહેવું છે કે અત્યાર સુધી આવો કોઈ કરાર થયો નથી. જોકે ટ્રમ્પે ગત દિવસોમાં દાવો કર્યો હતો કે ભારત ટેરિફ ઘટાડા પર સંમત થઈ ગયું છે. જ્યારે ભારતનું કહેવું છે કે આ મુદ્દાના ઉકેલ માટે સપ્ટેમ્બર સુધીનો સમય માગવામાં આવ્યો છે. ગત દિવસોમાં ટ્રમ્પે 2 એપ્રિલથી ટેરિફ લાગુ કરવાની ધમકી આપી દીધી હતી.

વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે વિદેશ મામલાની સંસદીય સ્થાયી સમિતિને જણાવ્યું કે 'ભારત-અમેરિકાની વચ્ચે ટેરિફને ખૂબ ઓછો કરવાને લઈને અત્યાર સુધી કોઈ કરાર થયા નથી. બંને દ્વીપક્ષીય વેપાર કરારની દિશામાં કામ કરી રહ્યા છે. માત્ર તાત્કાલિક ટેરિફના મુદ્દે જ નહીં લાંબા ગાળાના વેપાર સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. 

સમિતિના ઘણા સભ્યોએ ટ્રમ્પના તે દાવા પર ચિંતા વ્યક્ત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે 'ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થઈ ગયું છે.' અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા અને ટીએમસીના સાગરિકા ઘોષ જેવા અમુક વિપક્ષી સાંસદોએ આને લઈને સવાલ પૂછ્યા. જેની પર સુનીલ બર્થવાલે કહ્યું કે 'કોઈએ પણ ટ્રમ્પના દાવા અને મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં, કેમ કે બંને દેશોની વચ્ચે કરાર પર વાતચીત હજુ ચાલુ છે. તેમણે સંસદીય સમિતિને જણાવ્યું કે ભારતે અમેરિકાની સાથે વેપાર શુલ્કના મોર્ચે કોઈ પણ પ્રકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિના ઘણા સભ્યોએ બર્થવાલથી અમેરિકા-ભારત વેપાર ચર્ચા પર ઘણા સવાલ પૂછ્યા. જેની પર તેમણે કહ્યું કે વેપાર ચર્ચા દરમિયાન ભારતના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. ભારત મુક્ત વેપારના પક્ષમાં છે અને વેપારનું ઉદારીકરણ ઇચ્છે છે, જેનાથી બંને દેશોની વચ્ચે વેપારને વધારવામાં મદદ મળશે. ટેરિફ વોરથી અમેરિકા સહિત કોઈને પણ ફાયદો થશે નહીં, તેનાથી મંદીની સ્થિતિ પેદા થઈ શકે છે.

આ દરમિયાન અમુક સંસદ સભ્યોએ વાણિજ્ય સચિવને પૂછ્યું કે ભારત કસ્ટમ ડ્યૂટી પર અમેરિકન પગલાને લઈને મેક્સિકો અને કેનેડાની જેમ પોતાનો અવાજ કેમ ઉઠાવી રહ્યા નથી. આની પર બર્થવાલે કહ્યું કે 'બંને મામલાની તુલના કરી શકાય નહીં કેમ કે અમેરિકાની તેમની સાથે સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને સરહદ ઇમિગ્રેશન સંબંધિત મુદ્દા છે.'

તેમણે કહ્યું કે ભારત એવા ઉદ્યોગોની રક્ષા કરશે જે તેની ઘરેલુ અર્થવ્યવસ્થા માટે મહત્ત્વના છે. ભારત દ્વિપક્ષીય રીતે કસ્ટમ ડ્યુટી ઓછી કરી શકે છે પરંતુ બહુપક્ષીય રીતે આવું કરી શકતો નથી. આ કારણે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર કામ કરવામાં આવી રહ્યું છે.