'મારી માતાએ મને વિશ્વાસથી આ કર્મ ભૂમિ સોંપી છે - રાહુલ ગાંધી

May 03, 2024

રાયબરેલી : લોકસભા ચૂંટણી માટે આજે (ત્રીજી મે) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે હવે ઉમેદવારી નોંધાવ્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે 'X' પર લખ્યું કે, રાયબરેલીથી ઉમેદવારી મારા માટે ભાવુક ક્ષણ હતી! મારી માતાએ મને ખુબ ભરોસા સાથે પરિવારની કર્મભૂમિ સોંપી છે અને તેની સેવાનો મોકો આપ્યો છે. અમેઠી અને રાયબરેલી મારા માટે અલગ-અલગ નથી, બંને મારા પરિવાર છે અને મને ખુશી છે કે 40 વર્ષથી વિસ્તારની સેવા કરી રહેલા કિશોરી લાલ જી અમેઠીથી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. અન્યાય વિરૂદ્દ ચાલી રહેલા ન્યાયના યુદ્ધમાં હું મારા પોતાનાની મહોબ્બત અને તેના આશીર્વાદ માંગુ છું. મને વિશ્વાસ છે કે બંધારણ અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં તમે મારી સાથે ઉભા છો. રાહુલ ગાંધીએ આજે પોતાની જૂની બેઠક અમેઠી છોડીને રાયબરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, વહુ રોબર્ટ વાડ્રા, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ બેઠક પર મતદાન સંપન્ન થઈ ગયું છે. ત્યારે આજે તેમણે રાયબરેલી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે.