અમેરિકામાં નવા વર્ષનો લોહિયાળ પ્રારંભ, ઉજવણી કરનારા પર ટ્રક ફેરવી, મૃતકાંક વધીને 15એ પહોંચ્યો

January 02, 2025

અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ છે. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લીન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે મેયરના દાવા મુજબ એક આતંકવાદી સવારે સવા ત્રણ વાગે  પિક-અપ ટ્રક લઈ ઉજવણી કરતાં લોકોની ભીડ પર ધસી ગયો હતો અને તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.પિક-અપ ટ્રક અટક્યા પછી તે બહાર આવ્યો હતો અને ઓટોમેટિક મશીનગન વડે લોકો પર હુમલો કર્યો હતો.  તેને અટકાવવા આવેલી પોલીસ પર પણ તેણે હુમલો કરતાં પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો હતો.  આમ ટ્રમ્પ 20મી તારીખે સત્તા સંભાળે તે પહેલા જ આ આતંકવાદી હુમલો થયો છે. 

હુમલાખોર ઇસ્લામિક સ્ટેટનો હોવાનું મનાય છે. એફબીઆઈએ જણાવ્યું હતું કે લોકો પર પિક અપ ટ્રક ચઢાવી હુમલો કર્યા પછી ગોળીબાર કરનારો ડ્રાઇવર પોલીસ સાથેની ગનફાઇટમાં માર્યો ગયો હતો. તેમા બે પોલીસને પણ ગોળી વાગી છે, પણ તેમની સ્થિતિ સ્થિર છે.પત્રકાર પરિષદમાં ન્યુ ઓર્લીન્સની મેયર લાટોયા કેન્ટ્રલે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને પોલીસ વડાએ જણાવ્યું હતું આ રીતસરનું ઇરાદાપૂર્વકનું કૃત્ય હતું. 

પોલીસ કમિશ્નર એનકિર્ક પેટ્રિકે જણાવ્યું હતું કે પિક-અપ ટ્રકનો ડ્રાઇવર રીતસરનો જાણે લોકોને મારવાના દ્રઢ નિશ્ચયથી આવ્યો હતો અને ટ્રક ચઢાવી દેવાથી પણ સંતોષ ન હોય તેમ પછી મશીનગન લઈ નીકળી પડયો હતો. તેણે જે નુકસાન કરવાનું હતું તે કરી નાખ્યું. તે શક્ય તેટલા લોકોને કચડી નાખવા અને બંદૂકથી મારી નાખવા માંગતો હતો. 

એફબીઆઈ આસિસ્ટન્ટ સ્પેશ્યલ એજન્ટ ઇન ચાર્જ એલીથીયા ડંકને જણાવ્યું હતું કે અધિકારીઓ ઘટનાસ્થળની ચકાસણી કરી રહ્યા છે અને ઘટનાસ્થળેથી એક શંકાસ્પદ પદાર્થ મળ્યો છે અને તે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસ હોવાનું મનાય છે. આ આખો વિસ્તાર નવા વર્ષની ઉજવણી માટેના જાણીતા વિસ્તારોમાં એક છે. એક પ્રત્યક્ષ દર્શીએ સીએનએનને જણાવ્યું હતું કે તેણે જોયું કે એક ટ્રક રીતસર રસ્તા પર બાજુએ ચાલતા લોકોને ઉડાવતા ધસમસતી આગળ આવી રહી છે.

ટ્રકે ઉડાવેલો એક જણ તો મારી આગળ જ ઉછળીને પડયો હતો. તેના પછી બંદૂકની ગોળીના અવાજ આવવા લાગ્યા હતા.  ઇજાગ્રસ્તોને પાંચ હોસ્પિટલમાં લઈ જવાયા છે, એમ શહેરના ઇમરજન્સી પ્રીપેર્ડનેસ વિભાગે જણાવ્યું હતું. વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી અને ન્યાય વિભાગે જણાવ્યું હતું કે એટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડને પણ સમગ્ર ઘટના અંગે જણાવાયું છે. આ હુમલો વધુ એક ઉદાહરણ છે કે વાહનનો ઉપયોગ હવે હુમલો કરવા માટે કેવી રીતે કરવામાં આવે છે.

આ પહેલા જર્મનીમાં પણ 20મી ડિસેમ્બરે મગ્દેબર્ગ શહેરમાં ક્રિસ માર્કેટ પર થયેલા હુમલામાં આ રીતે જ એક સાઉદી ડોક્ટરે ટ્રક ચઢાવી દેતા ચાર મહિલા અને ેક બાળક સહિત પાંચના મોત થયા હતા અને ૨૦૦થી વધુને ઇજા થઈ હતી.  આ પહેલા 2021માં મિલ્વોકીમાં એક વ્યક્તિએ ક્રિસમસ વખતે જ લોકો પર એસયુવી ચડાવી દેતા 6ના મોત નીપજ્યા હતા. જજે આ કેસમાં તે વ્યક્તિને માનસિક બીમારી હોવાની તેની અને તેના કુટુંબની દલીલને ફગાવી દઈને તેને  આજીવન કેદની સજા ફટકારી હતી. આ જ રીતે 2017માં મેનહટનમાં હેેલોવીન દરમિયાન બાઇકના રસ્તા પર ટ્રક ચડાવી દઈને આઠને મોતને ઘાટ ઉતારનારા ઇસ્લામિક આતંકવાદીને ગયા વર્ષે દસ વખતની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.