પાકિસ્તાનને માનવાધિકાર અને લોકશાહી જેવા મુદ્દાઓ પર વાત કરવાનો અધિકાર નથી : ભારત

May 03, 2024

ભારતે UNમાં પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, CAA અને રામ મંદિર મુદ્દે રોકડું પરખાવ્યું


ન્યૂ યોર્ક : પાકિસ્તાને ફરી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN)માં કાશ્મીર અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું હતું કે, 'પાકિસ્તાનને માનવાધિકાર અને લોકશાહી જેવા મુદ્દાઓ પર વાત કરવાનો અધિકાર નથી. જેનો દરેક બાબતમાં હંમેશા ખરાબ રેકોર્ડ રહ્યો હોય તેમણે આવી વાતો ન કરવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મુનીર અકરમે કાશ્મીર, નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરૂવારે (બીજી મે) પાકિસ્તાન પર પ્રહારો કરતા રુચિરા કંબોજે કહ્યું કે, 'અમે આ પડકારજનક સમયમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારું ધ્યાન માત્ર રચનાત્મક વાતચીત પર છે. આવી સ્થિતિમાં, અમે ચોક્કસ પ્રતિનિધિમંડળની ટિપ્પણીઓને બાજુ પર રાખવાનો નિર્ણય કર્યો છે. જે દેશનો રેકોર્ડ સૌથી ખરાબ હોય તેના વિશે શું વાત કરવી?' રુચિરા કંબોજે કહ્યું કે, 'આપણે ધર્મના આધારે વધી રહેલી અસહિષ્ણુતા અને હિંસા પર ધ્યાન આપવાની જરૂર છે. ધાર્મિક સ્થળો પર વધી રહેલા હુમલાઓથી આપણે ચિંતિત છીએ. ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જ નહીં પરંતુ ઈસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું પણ જન્મસ્થળ છે.'