સેન્સેક્સ 579 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ સપોર્ટ લેવલ તોડ્યું

May 09, 2024

શેરબજાર આજે ફરી પાછા ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સમાચાર લખાયા ત્યાં સુધીમાં 579.43 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 50એ 22150નુ સપોર્ટ લેવલ તોડી 22126.65ની બોટમ બનાવી હતી. 11 વાગ્યે 22146.95 (155.55 પોઈન્ટ ઘટાડે) અને સેન્સેક્સ 72983.59 (482.05 પોઈન્ટ ઘટાડે) પર કારોબાર થઈ રહ્યો છે.

સ્ટોક માર્કેટમાં ઘટાડાના વલણ વચ્ચે રોકાણકારોએ 11 વાગ્યા સુધીમાં 2.87 લાખ કરોડ ગુમાવ્યા છે. બીએસઈ ખાતે માર્કેટ કેપ ઘટી 397.82 થયું છે. જે ગઈકાલે 400.69 લાખ કરોડ હતું. સેન્સેક્સ પેકની આઠ સ્ક્રિપ્સ સિવાય તમામ 22 સ્ક્રિપ્સ ઘટી છે. 197 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ અને 26 શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. 133 શેરો વર્ષની ટોચે અને 180 શેરો અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 
લોકસભા ચૂંટણીના પરિણામો પ્રત્યે માર્કેટમાં અનિશ્ચિતતાઓ વધતાં રોકાણકારોએ સાવચેતીના ભાગરૂપે પ્રોફિટ બુક કરી રહ્યા છે. વધુમાં એપ્રિલમાં મોટાભાગના સેક્ટરોલ ઈન્ડેક્સ આઉટપર્ફોર્મ રહ્યા હોવાથી હવે મેમાં રોકાણકારો પ્રોફિટ બુક કરી નવેસરથી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે.

India VIX ઈન્ડેક્સ ગઈકાલે નજીવા ઘટાડા સાથે બંધ રહેતાં સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી ઘટવાની શક્યતા વધી છે. India VIX આજે ઘટાડા સાથે ખૂલ્યા બાદ 11 વાગ્યા સુધીમાં 3.29 ટકા વધી 17.64 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે, તેની આગઝરતી તેજીએ વિરામ લીધો હોય તેવુ નિષ્ણાતો જણાવી રહ્યા હોવાથી આગામી સમયમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળી શકે છે.