સેન્સેક્સ 584 પોઈન્ટ સુધર્યો, નિફ્ટી 22546, 226 શેરો વર્ષની ટોચે પહોંચ્યા

April 29, 2024

ભારતીય શેરબજારોએ આજે સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરી છે. સેન્સેક્સ આજે 73982.75 પર ખૂલ્યા બાદ ઘટી 73922.34 થયો હતો. બાદમાં 584.38 પોઈન્ટના ઉછાળા સાથે 72314.54 પર પહોંચ્યો હતો. 10.57 વાગ્યા સુધીમાં 503.19 પોઈન્ટ ઉછળી 74233.71 પર ટ્રેડ થઈ રહ્યો છે.

પીએસયુ શેરોમાં તેજીના પગલે શેરબજાર સુધર્યા છે. ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક બેન્કના શેર 2થી 3 ટકા ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સાથે સેન્સેક્સ પેકની 22 સ્ક્રિપ્સ સુધારા તરફી અને આઠ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. 

સ્મોલકેપ અને મિડકેપ સેગમેન્ટના મોટાભાગના શેરોમાં 20 ટકા સુધી ઉછાળો નોંધાતાં ઈન્ડેક્સ આજે ફરી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 47599.25 પોઈન્ટ અને મિડકેપ 47599.25 પોઈન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. તદુપરાંત કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને રિયાલ્ટી ઈન્ડેક્સ પણ રેકોર્ડ ટોચ નોંધાવી છે. 11.04 વાગ્યા સુધીમાં ઈરેડા 8.53 ટકા, યસ બેન્ક 5.05 ટકા, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝનો શેર 7.81 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

ટેકનિકલી નિફ્ટી-50એ સાપ્તાહિક ચાર્ટ પર એક હાઈ વેવ પ્રકારની કેન્ડલ સ્ટિક પેટર્ન બનાવી છે, જે ભાવિ બજારના વલણ વિશે બુલ્સ અને બેર વચ્ચે અનિર્ણાયકતા દર્શાવે છે. એકંદરે, જ્યાં સુધી ઇન્ડેક્સ 22,300નું સ્તર ધરાવે છે ત્યાં સુધી વલણ બુલ્સની તરફેણમાં રહી શકે છે. જો કે શુક્રવારે દૈનિક ચાર્ટ પર ડાર્ક ક્લાઉડ કવર કૅન્ડલસ્ટિક પેટર્ન હતી, જે મંદીનું રિવર્સલ વલણ હતું. 22500ના લેવલે થોડા દિવલ સુધી જળવાઈ રહે તો નિફ્ટી તેજી તરફી વલણ સાથે 22800ના લેવલે પહોંચી શકે છે.

બીએસઈ ખાતે 3840 સ્ક્રિપ્સમાંથી 2056 સુધારા અને 1574 સ્ક્રિપ્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. 226 સ્ક્રિપ્સ વર્ષની ટોચે જ્યારે 10 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ 310 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 189માં લોઅર સર્કિટ જોવા મળી હતી.