બિહારમાં મંદિરમાં તોડફોડ મુદ્દે હોબાળો, છ મૂર્તિ ખંડિત કરાતા ટોળું વિફર્યું

October 20, 2024

ભાગલપુર : બિહારના ભાગલપુરમાં મંદિરમાં તોડફોડ મુદ્દે મામલો ઉગ્ર બન્યો છે. બદમાશોએ મંદિરમાં રામ-સીતા, રાધા-કૃષ્ણ સહિત છ મૂર્તિ ખંડિત કરતા લોકો રોષે ભરાયા છે. આ ઘટના સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો મચાવી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ ભાગલપુરના સ્નહૌલામાં આવેલા શિવ મંદિરમાં કેટલાક લોકોએ તોડફોડ કરી છે અને મંદિરમાં ભગવાનની છ પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો કર્યો છે, જેના કારણે તંત્રએ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પોલીસનો કાફલો ખડકી દીધો છે. ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને આરોપીઓની તુરંત ધરપકડ કરવાની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સન્હોલા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં ભગવાન રામ, માતા સીતા, રામ દરબાર, રાધા-કૃષ્ણ અને માતા દુર્ગાની મૂર્તિને તોડવામાં આવી છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, આ ઘટના પાછળ બિન હિન્દુ અસામાજિક તત્વોનો હાથ છે. મંદિરમાં તોડફોડની વાત આખા વિસ્તારમાં વાયુવેગે ફેલાતા લોકો લાકડી અને ડંડા સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. મંદિરમાં મૂર્તિઓ તોડવા મામલે ભડકેલા લોકોએ સન્હોલાથી ઝારખંડ તરફ જતો મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો છે. પોલીસ સ્ટેશન પાસે પહોંચેલું ટોળું ન્યાયની માંગ કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, અસામાજિક તત્વોએ જાણીજોઈને હિન્દુઓની ભવનાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, તેથી તેમની તુરંત ધરપકડ કરવી જોઈએ.