61 કલાક વોટ્સએપ બ્લોક થઈ જતાં સોનુ સુદ પરેશાન

April 29, 2024

મુંબઈ:  એક્ટર સોનુ સુદનું વ્હોટસ એપ એકાઉન્ડ ૬૧ કલાક સુધી બ્લોક થઈ જતાં તે હેરાન પરેશાન થઈ ગયો હતો. તેને વધારે ચિંતા તો એ વાતની હતી કે કદાચ કોઈ વ્યક્તિને સહાયની જરુર હશે તો પોતે તત્કાળ મદદ નહીં કરી શકે. ચાહકોએ તેના આ અભિગમની પ્રશંસા કરી હતી. અગાઉ સોનુ સુદે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્હોટસ એપને ટેગ કરીન લખ્યું હતું કે મારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે. હું કોઈ  મેસેજ રીસીવ કરી શકતો નથી. સાથે સાથે તેણે તેના ચાહકોને પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ડાયરેક્ટ મેસેજ થકી સંપર્ક સાધવા અપીલ કરી હતી. ચાહકોએ એ વાતની નોંધ લીધી હતી કે સોનુ સુદને પોતાના પ્રોફેશનલ કામકાજ કરતાં અન્ય લોકોને સહાયની વધારે ચિંતા છે.  આખરે રવિવારે સોનુ સુદે અપડેટ આપ્યું હતું કે ૬૧ કલાક બ્લોક રહ્યા પછી તેનું એકાઉન્ટ ચાલુ  થયું છે અને  અત્યાર સુધીમાં  ૯૪૮૩ અનરીડ મેસેજીસનો ઢગલો થઈ ચૂક્યો છે.  જોકે, તેનું એકાઉન્ટ ચોક્કસ કયાં કારણોસર બ્લોક થયું હતું તે તત્કાળ જાણવા મળ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉન સમયથી સોનુ સુદ અનેક જરુરિયાતમંદોને મદદગાર થતો રહ્યો છે. હાલમાં પણ મુંબઈમાં તેનાં નિવાસ સ્થાન બહાર મદદ માગવા આવતા લોકોની ભીડ સતત જામેલી રહે છે.