સરહદ પાર કરવાનો આરોપ લગાવી શ્રીલંકાની નેવીએ ભારતના 17 માછીમારોને પકડ્યા

October 01, 2024

શ્રીલંકાની નેવીએ ફરી એકવાર ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ વખતે 17 માછીમારોની ધરપકડ કરવાની સાથે તેમની બોટ પણ જપ્ત કરી છે. ભારતીય માછીમારો પર શ્રીલંકાની સરહદ પાર કરવાનો આરોપ છે. આ વર્ષે અત્યાર સુધીમાં શ્રીલંકાએ 413 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા માછીમારોને તાલાઈમન્નાર જેટી પર લઈ જવામાં આવ્યા હતા અને પછી આગળની કાર્યવાહી માટે મન્નાર ફિશરીઝ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા છે.

રવિવારે શ્રીલંકાની નેવીએ 17 માછીમારોની ધરપકડ કરી હતી અને બે બોટ પણ જપ્ત કરી હતી. ભારતીય માછીમારોને પકડવા માટે નેવીએ ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું. 2024ની શરૂઆતથી શ્રીલંકાના નૌકાદળના કર્મચારીઓએ 55 બોટ જપ્ત કરી છે અને 413 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે.