ચૂંટણીપંચે ચોથા તબક્કાના ઉમેદવારીફોર્મ માટે જાહેરનામું બહાર પાડ્યું

April 29, 2024

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સોમવારે ચોથા તબક્કાની લોકસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર 25 મેના રોજ મતદાન થશે. બિહાર, હરિયાણા, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને નવી દિલ્હી સહિત છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 લોકસભા બેઠકો માટે મતદાન થશે.

ચૂંટણી પંચની સૂચના અનુસાર, ઉમેદવારી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 6 મે છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 7 મેના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9 મે છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર યોજાયું હતું, જેમાં 62 ટકાથી વધુ મતદાન થયું હતું.

પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશ (2 બેઠકો), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (5), મણિપુર (2), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1), રાજસ્થાન (12), સિક્કિમ (1), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (3), આંદામાન અને નિકોબાર (1), જમ્મુ અને કાશ્મીર (1), લક્ષદ્વીપ (1) અને પુડુચેરી (1) બેઠકો પર મતદાન થયું છે.

બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે પૂર્ણ થયું હતું. આ તબક્કામાં 88 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું, જેમાં કેરળની તમામ 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ, આસામ અને બિહારની પાંચ-પાંચ બેઠકોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ અને ત્રિપુરા, મણિપુર અને જમ્મુ-કાશ્મીરમાં એક-એક બેઠક પર મતદાન થયું હતું.