ભારત સરકારનો મોટો નિર્ણય, ડ્રોન-વિસ્ફોટક ખરીદવા 40000 કરોડ રૂપિયા મંજૂર કર્યા

May 18, 2025

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા રૂ. 40,000 કરોડનું ફંડ ફાળવવા મંજૂરી આપી છે. સંરક્ષણ દળો આ ફંડમાંથી વિપુલ પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો ખરીદશે. સંરક્ષણ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા આયોજિત બેઠકમાં ઈમરજન્સી પાવર હેઠળ એક્વિઝિશનને મંજૂરી આપી છે. આ બેઠકમાં સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત થયા હતાં.
સેના ઈમરજન્સી પાવર્સ હેઠળ સર્વેલન્સ અને કામિકાઝ ડ્રોન, લાંબા અંતરના લોઈટરિંગ દારૂગોળા, તોપખાના માટે દારૂગોળો જેવા મહત્ત્વપૂર્ણ સશસ્ત્રો ખરીદશે. વધુમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને વિવિધ પ્રકારની મિસાઈલ્સ-રોકેટ પણ ખરીદવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઈમરજન્સી પ્રોક્યુરમેન્ટ પાવર્સ હેઠળ સુરક્ષાદળોએ કોન્ટ્રાક્ટને મંજૂરી મળ્યા બાદ નિશ્ચિત સમયમાં સશસ્ત્રો ખરીદવાના રહેશે. છેલ્લા પાંચ વર્ષમાં સુરક્ષાદળોએ પાંચમી વખત ઈમરજન્સી પ્રોક્યુરમેન્ટ પાવર્સને મંજૂરી આપી છે. ઈમરજન્સી પ્રોક્યુરેન્ટ પાવર્સ સુરક્ષાના જોખમોનો સામનો કરવા માટે જરૂરી દારૂગોળો અને હથિયારો ખરીદવાની સુવિધા આપે છે. 
સંરક્ષણ મંત્રાલય ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવવા લાંબા ગાળાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેના માટે સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ સહિત ખાનગી તથા સરકારી કંપનીઓના વરિષ્ઠ એક્ઝિક્યુટીવ્સ સાથે મળી બેઠકો કરી રહ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર હુમલો કરવા ઉપયોગમાં લેવાથી રામપેજ મિસાઈલ પણ એરફોર્સ અને ઈન્ડિયન નેવી દ્વારા ઈમરજન્સી પ્રોક્યુરેમેન્ટ પાવર્સ હેઠળ ખરીદવામાં આવી હતી. આ મિસાઈલ્સનુ હવે ભારતમાં જ ઉત્પાદન થશે.