ભારતમાં આતંક મચાવવાનું કાવતરું ઘડાયું, ટ્રાયલ બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો

May 19, 2025

ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા તેમણે બંનેની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સિરાજ-ઉર-રહેમાન અને સૈયદ સમીર તરીકે થઈ છે. સિરાજની આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સમીરની સિકંદરાબાદના ભોઇગુડાથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે તાજેતરમાં જ બંનેએ ઓનલાઈન વિસ્ફોટક સામગ્રી ખરીદી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે વિજયનગરમમાં સિરાજના નિવાસસ્થાને દરોડો પાડ્યો, જેના પગલે સમીરની ધરપકડ કરવામાં આવી. આ બંનેએ વિજયનગરમના એક નિર્જન વિસ્તારમાં ટ્રાયલ બ્લાસ્ટ કર્યો હતો અને સંભવિત આતંકવાદી હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે હૈદરાબાદ તેમની યાદીમાં હતું કે નહીં. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, સિરાજ અને સમીર બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સાઉદી અરેબિયામાં એક હેન્ડલરની મદદથી વિસ્ફોટોનું કાવતરું ઘડી રહ્યા હતા. હેન્ડલર સિરાજ અને સમીરને વિસ્ફોટો કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. તેમણે કહ્યું, અમને હજુ સુધી ખબર નથી પડી કે ISISના કાર્યકરો ક્યાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા છે.