પતંજલિ કેસમાં SC દ્વારા ઉત્તરાખંડ આયુષ વિભાગને ફટકાર

April 30, 2024

સુપ્રીમ કોર્ટે મંગળવારે પતંજલિની ભ્રામક જાહેરાત મામલે સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ લાયસન્સિંગ ઓથોરિટીને ફટકાર લગાવી હતી. કોર્ટે ભ્રામક જાહેરાતોને લઈને સત્તાધિકારીની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે હવે તમે તમારી ઊંઘમાંથી જાગી જાવ.

જ્યારે કોર્ટમાં પતંજલિ કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે અમે વર્તમાન પત્રમાં માફી છાપીને માંગી હતી. તેને કોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવવામાં આવ્યો છે. આ પછી મુકુલ રોહતગીએ અખબારોમાં છપાયેલ માફી પત્ર બતાવ્યો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે અસલ રેકોર્ડ કેમ ન આપ્યો? તમે ઈ-ફાઈલિંગ કેમ કર્યું? આમાં ઘણી મૂંઝવણ છે. અમે અમારા હાથ ઊંચા કરી રહ્યા છીએ. અમે મૂળ નકલ માંગી હતી, તે ક્યાં છે?

આના પર રામદેવના વકીલ બલબીર સિંહે કહ્યું કે મારી અજ્ઞાનતાના કારણે આવું બન્યું હશે. કોર્ટે કહ્યું કે, જો કે તમે છેલ્લી વખતે જે માફી પત્ર પ્રકાશિત કર્યો હતો તે ટૂંકો હતો અને તેમાં માત્ર પતંજલિ લખવામાં આવ્યુ હતુ. પરંતુ આ વખતે માફી મોટી છે. અમે પ્રશંસા કરીએ છીએ કે તમે આખરે અમારી વાત સમજી ગયા. તમે ફક્ત તે દિવસે અખબાર અને માફી પત્ર સબમિટ કરો.