ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટના EDને 6 સવાલ

April 30, 2024

દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા તેમની થયેલી ધરપકડની કાયદેસરતાને પડકારતી અરજી કર્યા બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે (30મી એપ્રિલે) ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ગઈકાલે (29મી એપ્રિલ)ની સુનાવણીમાં કેજરીવાલના વકીલ અને ઈડીના વકીલની દલીલો સાંભળ્યા બાદ બીજા દિવસે ફરી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધાશી સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેંચે લોકસભા ચૂંટણી અને કેજરીવાલની ધરપકડ વચ્ચેની ટાઈમિંગ મામલે સવાલ ઉઠાવ્યા છે.
કેજરીવાલના સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી છે કે, ‘લોકસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી?’ ત્યારે કોર્ટે સંઘવીની દલીલને ધ્યાને રાખી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વકીલ ASG એસવી રાજુ પાસે આ મામલે જવાબ માંગ્યો છે અને કહ્યું કે, સ્વતંત્રતા ખૂબ જ મહત્વની હોવાથી તમે તેનો ઈન્કાર ન કરી શકો. આ ઉપરાંત કોર્ટે ઈડીને જવાબ આપવા તેમજ કાર્યવાહી શરૂ થયા બાદ વારંવાર દાખલ થયેલી ફરિયાદો વચ્ચેના સમય અંગે કારણો જણાવવા કહ્યું છે. ઈડીએ જવાબ આપવો પડશે કે, શું કોઈ ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે? શું તમે ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકો છો?

- સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા પાંચ સવાલ

1... શું મદનલાલ ચૌધરી અથવા અન્ય કેસમાં કોઈપણ કાર્યવાહી કર્યા વગર જે કહેવાયું છે, તેના સંદર્ભ મુજબ ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ શકે છે? (ન્યાયાધીશે કહ્યું કે, કેજરીવાલના કેસમાં હજુ સુધી કોઈ જપ્તી કરાઈ નથી, જો થઈ છે તો ઈડીએ કહેવું પડશે કે, કેસમાં કેજરીવાલને કેવી રીતે જોડવામાં આવ્યા?

2... મનીષ સોસોદિયાના કેસમાં બે બાબતો છે, એક તેમના પક્ષમાં છે, તો બીજી તેમના પક્ષમાં નથી, તો કેજરીવાલનો કેસ કઈ બાબતમાં લાગુ પડે છે?

3... કેજરીવાલ જામીન માટે અરજી કરવાના બદલે ધરપકડ અને રિમાન્ડની વિરુદ્ધમાં છે, જો તેઓ ધરપકડ-રિમાન્ડ વિરુદ્ધનો રસ્તો અપનાવશે તો તેમણે પીએમએલએની કલમ-45 હેઠળની જોગવાઈઓનો સામનો કરવો પડશે, તેથી PMLAની કલમ-19નો અર્થ કેવી રીતે ધ્યાને લેવામાં આવે?

4... કાર્યવાહીની શરૂઆત અને ધરપકડ વગેરે વચ્ચે સમયનું આટલું અંતર કેમ?

5... લોકસભા ચૂંટણી ટાણે જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી?