હરિયાણાના કેથલમાં ગમખ્વાર અકસ્માત, નહેરમાં કાર ખાબકતાં 7 લોકોનાં કમકમાટીભર્યા મોત

October 12, 2024

હરિયાણાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક કાર નહેરમાં ખાબકતાં 7 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકો મૃત્યુ થયા હતા. 

માહિતી અનુસાર જેવી જ લોકોને અકસ્માતની જાણ થઈ કે સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે અત્યાર સુધી કારમાં હાજર તમામ લોકો જીવ ગુમાવી ચૂક્યાના અહેવાલ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાડીના નંબરની જાણ થઇ કે મૃતકો ઝઝ્ઝરના રહેવાશી છે. 

ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યાનુસાર, કાર ચાલકની સ્પીડ વધુ હતી અને જેના લીધે ડ્રાયવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર નહેરમાં ખાબકી ગઇ હતી. લોકોએ દોરડા અને અન્ય સાધનો વડે બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે કાર નહેરથી બહાર આવી ત્યારે તેમાં સાત લોકો મૃત્યુ થયા હતા. કારમાં એક જ પરિવારના 7 લોકો સામેલ હોવાની ચર્ચા છે. મૃતકોમાં અત્યાર સુધી 3 બાળક, ત્રણ મહિલા અને એક ડ્રાઈવર સામેલ છે.

કેથલના ડીએસપી લલિત કુમારે જણાવ્યું કે, 'પીડિત પરિવારના લોકો મેળામાં જવા નીકળ્યા હતા. ત્યારે કાર મુંદરી નજીક નહેરમાં ખાબકી ગઇ હતી. મૃતકોની ઓળખ કાજલ, ફીઝા, રિયા, વંદના, પરમજીત, તિજો અને ચમેલી તરીકે થઇ હતી. આ તમામ લોકો ડીંગ ગામના રહેવાશી હોવાની જાણકારી છે.