ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટથી લદાખ પહોંચ્યા દલાઈ લામા, ડ્રેગન અકળાયું

July 13, 2025

બીજિંગ - ગલવાન અથડામણ (2020)  બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરની ચીન મુલાકાત પહેલા ચીને દલાઈ લામાના ઉત્તરાધિકારી પર આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને આ મુદ્દાને ભારત-ચીન સંબંધોમાં 'કાંટા' ગણાવ્યો છે. આ અગાઉ શનિવારે દલાઈ લામા ખૂબ જ કડક સુરક્ષા વચ્ચે લદાખના લેહ એરપોર્ટ પર પહોંચ્યા હતા.


બીજિંગ ખાતે ચીનની એમ્બેસીએ રવિવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ભારતને શિજાંગથી જોડાયેલી સંવેદનશીલતાને ગંભીરતાથી સમજવી જોઈએ. ચીને કહ્યું કે, દલાઈ લામાના ઉત્તરાધિકારી અને પુનર્જન્મનો વિષય સંપૂર્ણ રીતે આંતરિક મામલો છે, જેમાં કોઈપણ બહારના વ્યક્તિના હસ્તક્ષેપની જરૂર નથી. ચીની એમ્બેસીના પ્રવક્તા યૂ જિંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'શિજાંગથી જોડાયેલો મુદ્દો ભારત-ચીન સંબંધોમાં કાંટા જેવો છે અને ભારત માટે આ બોજ બની રહ્યો છે. શિજાંગ કાર્ડ રમવું ભારત માટે આત્મઘાતી પગલું હશે.'


યૂ જિંગે કહ્યું કે, 'હાલના દિવસોમાં ભારતીય રણનીતિ મામલાઓના વિશેષજ્ઞો, પૂર્વ અધિકારીઓ અને શિક્ષાવિદોએ દલાઈ લામાના ઉત્તરાધિકારીને લઈને અયોગ્ય નિવેદન આપ્યા છે, જે ચીનના અનુસાર ભારત સરકારની જાહેર નીતિ સાથે બંધબેસતા નથી. તિબેટમાં તિબેટીયન લોકો આઝાદીથી પોતાની પારંપરિક સંસ્કૃતિ, પહેરવેશ, ખાણી-પીણી અને વાસ્તુકલાને હજુ પણ અપનાવી રહ્યા છે.' સાથે જ તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી છે.
આ મામલે ભારત સરકારે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રંધીર જયસ્વાલે 4 જુલાઈએ મીડિયાને કહ્યું કે, ભારત સરકાર ધાર્મિક વિશ્વાસ અને પરંપરાઓથી જોડાયેલા મામલાઓમાં કોઈ જાહેર વલણ નથી અપનાવતી અને ન કોઈ ટિપ્પણી કરે છે. ભારત હંમેશા તમામ માટે ધાર્મિક સ્વતંત્રતાનું સમર્થન કરતું આવ્યું છે.


ચીનની પ્રતિક્રિયાનું એક કારણ કેન્દ્રીય મંત્રી રિજિજૂનું તે નિવેદન છે, જેમાં તેમણે દલાઈ લામાના જન્મદિવસના સમારોહમાં ભાગ લીધો અને કહ્યું કે એક બૌદ્ધ અનુયાયી તરીકે તેઓ માને છે કે દલાઈ લામા અને તેમનું કાર્યાલય જ ઉત્તરાધિકારી પર નિર્ણય લેવાના અધિકારી છે. જેના પર ચીને વાંધો દર્શાવ્યો અને 'ચીન વિરોધી અલગાવવાદી વલણ' ગણાવ્યું.