અનિલ અંબાણીએ પત્ની-પુત્ર સાથે ગયામાં કર્યુ પિંડદાન

January 27, 2025

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી રવિવારે બિહારના ગયા શહેર પહોંચ્યા. તેમની સાથે તેમના પત્ની ટીના અંબાણી અને પુત્ર જય અંશુલ અંબાણી પણ હાજર હતા. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ વિષ્ણુપદ મંદિરની મુલાકાત લીધી અને તેમના પૂર્વજોના આત્માની શાંતિ માટે પ્રાર્થના અને પિંડદાન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે બોધિવૃક્ષ નીચે બેસીને ધ્યાન પણ કર્યું હતું.

બિહારના ગયામાં પ્રાર્થના કરવા ઉપરાંત અનિલ અંબાણીએ તેમની પત્ની ટીના અંબાણી સાથે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભની પણ મુલાકાત લીધી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા સાથે શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 દિવસમાં 11 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. મહાકુંભ દર 12 વર્ષે યોજવામાં આવે છે અને આ વખતે તે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહાકુંભ મેળામાં 45 કરોડ ભક્તો પહોંચશે તેવી અપેક્ષા છે.