સંજય રોયને ફાંસી માટે મમતા સરકારની HCમાં અપીલ

January 22, 2025

કોલકાતાની આરજી કર હોસ્પિટલનાં ટ્રેની ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસમાં સંજય રોયને મૃત્યુ સુધી આજીવન કેદની સજા સંભળાવતા સિયાલદહ કોર્ટના આદેશ સામે અપીલ કરવા પશ્ચિમ બંગાળ સરકારને કોલકાતા હાઇકોર્ટે મંગળવારે મંજૂરી આપી હતી. એડવોકેટ જનરલ કિશોર દત્તાએ જસ્ટિસ દેબાંગસુ બસાકની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચમાં કેસના એકમાત્ર દોષિત સંજય રોયને ફાંસીની માગ સાથે અપીલ કરી હતી.

રાજ્ય સરકારે સોમવારે સિયાલદહના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બન દાસ દ્વારા અપાયેલા ચુકાદાને પડકારતી અપીલ દાખલ કરવા હાઇકોર્ટની મંજૂરી માંગી હતી. સિયાલદહ કોર્ટે આ રૅરેસ્ટ ઓફ ધ રૅર કેસ ન હોવાનું ઠરાવતા સંજય રોયને ફાંસીની માગ નકારતા મૃત્યુ સુધી આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે રોયને 50,000 રૂપિયાનો દંડ પણ કર્યો હતો અને રાજ્ય સરકારને મૃતક ડૉક્ટરના પરિવારને રૂ. 17 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

સિયાલદહ કોર્ટના ચુકાદા પર અસંતોષ વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આ કેસ કોલકાતા પોલીસને હેન્ડલ કરવા દેવાયો હોત તો અમે સંજય રોયને ફાંસીની સજા થાય એ સુનિશ્ચિત કર્યું હોત. અમે બધાએ ફાંસીની માગણી કરી હતી પરંતુ કોર્ટે મૃત્યુ સુધી આજીવન કેદની સજા કરી. કોલકાતા પોલીસ પાસેથી બળજબરીથી કેસ લઈ લેવાયો હતો. રાજ્ય સરકાર સિયાલદહ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે.