એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા

May 07, 2025

ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરુઆત થઈ છે. સૌથી પહેલા ઈઝરાયલ ભારતની પડખે ઊભું થયું છે અને સમર્થન આપતાં કહ્યું છે કે, 'આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીમાં અમારું સમર્થન રહેશે.' જો કે બીજી તરફ તુર્કીયે ખૂલીને પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. આટલું જ નહીં ચીને પણ ચિંતા વ્યક્ત કરી છે.  ચીને કહ્યું છે કે, 'સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા માટે પગલાં લેવા અપીલ કરીએ છીએ, બંને દેશો સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે.' આમ તો પાકિસ્તાનને ચીનથી જ સૌથી વધુ આશા હતી, જોકે ચીને પોતાના નિવેદન સીધું જ પાકિસ્તાનનું સમર્થન નથી કર્યું અને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. બીજી તરફ તુર્કીયે તો ખૂલીને પાકિસ્તાનના સમર્થનમાં આવ્યું છે. તુર્કીયેના વિદેશમંત્રીએ પાકિસ્તાનના વિદેશમંત્રી સાથે વાતચીતમાં દૃઢતાથી સાથ સહકાર આપવાનું આશ્વાસન આપ્યું છે. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, 'ન્યાય થયો, જય હિન્દ'. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.