કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR, ફડણવીસે ટીકા કરી

July 11, 2025

બુલઢાણા- મહારાષ્ટ્ર વિધાનસભાની કેન્ટીનમાં એક કર્મચારી સાથે કથિત રૂપે મારપીટ કરવા બદલ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની મુશ્કેલીઓ વધી છે. પોલીસે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યના આ કૃત્યને નિંદાજનક ગણાવતાં કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસે ઔપચારિક ફરિયાદની રાહ જોવાની જરૂર નથી. તેઓ તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરે.


સંજય ગાયકવાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે, શિવસેનાના ધારાસભ્ય કેન્ટીનના કર્મચારી પર કથિત હુમલો કરતા જોવા મળ્યા છે. તેઓ અપશબ્દો બોલી રહ્યા હતા અને મારપીટ કરી રહ્યા હતાં. કર્મચારીને ગુસ્સામાં લાફો ઝીંક્યો હતો અને મુક્કા માર્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી ઘટનાઓ ધારાસભ્યો દ્વારા સત્તાના દુરુપયોગનો ખોટો સંદેશ રજૂ કરે છે.

શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા વાસી ભોજન પીરસવા બદલ કેન્ટીન કર્મચારી પર હુમલો કરવાની ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસને ઔપચારિક ફરિયાદની રાહ જોવાની કોઈ જરૂર નથી. શુક્રવારે વિધાન ભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે આ અંગે જણાવ્યું હતું. ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે કહ્યું કે, મેં ગાયકવાડને તેમના વર્તન માટે ઠપકો આપ્યો હતો. સંજય ગાયકવાડ કેન્ટીનમાં ખરાબ ભોજન પીરસવામાં આવતા ગુસ્સે હતા. જોકે, તેમણે જે કર્યું તે વાજબી  ન હતું. મેં તેમને કહ્યું કે તેમણે ફરિયાદ નોંધાવવા જેવા કાયદાની સહાય લેવાની જરૂર હતી. તેમણે જે કર્યું તે ખોટું હતું.