દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર અચાનક એક વ્યક્તિએ હુમલો, હુમલાખોરની ધરપકડ

August 20, 2025

આજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર અચાનક એક વ્યક્તિએ હુમલો કર્યો. રેખા ગુપ્તા આજે તેમના કેમ્પ ઓફિસમાં જાહેર સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે તેમના પર આ હુમલાનો પ્રયાસ થયો. આ પછી, ત્યાં અફરાતફરી મચી ગઈ. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. જોકે, હુમલાનું કારણ હજુ સ્પષ્ટ નથી. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ સાપ્તાહિક જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા આ હુમલાની સખત નિંદા કરી હતી.

મુખ્યમંત્રી નિવાસસ્થાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે મુખ્યમંત્રી જાહેર સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ તેમની ફરિયાદ લઈને ત્યાં પહોંચ્યો. આ દરમિયાન તેણે મુખ્યમંત્રીને થપ્પડ મારી. તે વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકરે એમ પણ કહ્યું કે એક વ્યક્તિ જાહેર સુનાવણીના બહાને સીએમ ગુપ્તા પાસે પહોંચ્યો. તેણે પહેલા મુખ્યમંત્રીને કેટલાક કાગળો આપ્યા, પછી બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમને થપ્પડ મારી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર આરોપી વ્યક્તિની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. દિલ્હી ભાજપે આ ઘટનાની નિંદા કરી છે. ભાજપના નેતા રમેશ બિધુરીએ કહ્યું કે મને લાગે છે કે રેખા ગુપ્તા પર હુમલો કરવાનો આ પ્રયાસ જાહેર સુનાવણીને પાટા પરથી ઉતારવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે.