Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા

November 02, 2026

પંજાબમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમવારે જલંધર EDની ટીમોએ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા સુંદર શામ અરોરા તેમજ તેમના સહયોગીઓ સાથે સંકળાયેલા 16 જેટલા સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ તપાસ ઝુંબેશ અંતર્ગત મોહાલી, ચંદીગઢ, હોશિયારપુર, જલંધર અને લુધિયાણા સહિતના શહેરોમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અરોરાના અંગત નિવાસસ્થાન પર પણ EDની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ દરોડા રૂપિયા 5 કરોડની લાંચ અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. EDની તપાસ મુજબ, મોહાલીમાં આવેલી 25 એકર જમીનના સોદા માટે અને 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) મેળવવાના બદલામાં આ મસમોટી લાંચની રકમ ચૂકવવામાં આવી હતી. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે ગુલમોહર ટાઉનશીપ દ્વારા જમીનનો કરાર ફાઇનલ થાય તે પહેલાં જ રૂપિયા 27.5 કરોડ આપી દેવાયા હતા અને ત્યારબાદ 17 નવેમ્બર, 2020 ના રોજ જમીન માટે NOC આપવામાં આવ્યું હતું.

વધુમાં, EDની તપાસમાં એ બાબત પણ સામે આવી છે કે પૂર્વ મંત્રી સુંદર શામ અરોરાના પુત્ર પ્રતીક અરોરા સંબંધિત રિયલ એસ્ટેટ કંપનીમાં 35 ટકા હિસ્સેદારી ધરાવે છે. તપાસ એજન્સીને એવી પ્રબળ શંકા છે કે લાંચપેટે મળેલી રકમ 'મારબેલા ગ્રાન્ડ' નામના પ્રોજેક્ટમાં રોકવામાં આવી છે. આ ઉપરાંત, જમીનની ખરીદીને લગતા વ્યવહારોમાં સંજીવ જુનેજા નામની વ્યક્તિને પણ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, સુંદર શામ અરોરા ભૂતકાળમાં પણ વિવાદોમાં રહ્યા છે. અગાઉ 15 ઓક્ટોબર, 2022 ના રોજ પંજાબ વિજિલન્સ બ્યુરોએ તેમને રૂપિયા 50 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. તે સમયે તેમના પર પોતાની સામે ચાલતી તપાસ બંધ કરાવવા અધિકારીઓને રૂપિયા 1 કરોડની લાંચ આપવાની ઓફર કરવાનો આરોપ હતો. વિજિલન્સની તપાસમાં અરોરાની 30 એકર જમીન, ખાનગી હોસ્પિટલમાં 50 ટકા હિસ્સેદારી અને લક્ઝરી વાહનો અંગે મોટા ખુલાસા થયા હતા. હવે ED નાણાકીય ગેરરીતિઓ, બેનામી વ્યવહારો અને ગેરકાયદે સંપત્તિ મામલે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.