ઈઝરાયલમાં નેતન્યાહુ અને આઈઝનકોટ વચ્ચે ગઠબંધનની અટકળો

November 22, 2026

તહેરાન ઃ ઈઝરાયલમાં સામાન્ય ચૂંટણી બાદ હવે સરકાર બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રમુખે યાશર પાર્ટીના ગદી આઈઝનકોટને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. આવા સંજોગોમાં તેમણે 28 દિવસની અંદર બહુમત સાબિત કરવો પડશે. અગાઉ અરબ પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવવાની વાત મૂકવામાં આવી હતી. જોકે હવે આ વાટાઘાટો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. આવા સંજોગોમાં આઈઝનકોટે પોતાના જ પ્રતિસ્પર્ધી બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી તરફ વળ્યા છે. તેમણે લિકુડ પાર્ટીને ગઠબંધન માટે વાતચીત કરવાનું આમંત્રણ આપ્યું છે. 22 નવેમ્બરે જ બંને પાર્ટીઓની વાતચીત શરૂ થઈ શકે છે.


સામાન્ય ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ 53 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે આઈઝનકોટની યાશર પાર્ટીના ખાતામાં 48 બેઠકો આવી છે. આવા સંજોગોમાં ગઠબંધનની વાટાઘાટોમાં લિકુડ પાર્ટી બેન્જામિન નેતન્યાહૂને ફરી વડાપ્રધાન બનાવવાની વાત મૂકી શકે છે. જ્યારે જો નિર્ધારિત સમય સુધી આઈઝનકોટની પાર્ટી સરકાર ન બનાવે તો પ્રમુખ નેતન્યાહૂને પણ સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે.

બેન્જામિન નેતન્યાહૂ અગાઉથી જ આ પ્રયાસમાં લાગ્યા હતા કે યાશર પાર્ટીને તેમની તરફ જોવું પડે. તેથી અનેકવાર તેઓ અરબ પાર્ટીઓને તેમની વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા હતા. ગત રવિવારે પણ બંને પાર્ટીઓ વચ્ચે વાતચીતની શરૂઆત થઈ હતી પરંતુ તે કોઈ પરિણામ પર પહોંચી નહીં. તમને જણાવી દઈએ કે, આઈઝનકોટની પાર્ટી નેતન્યાહૂની વિરોધી છે. પરંતુ સામાન્ય ચૂંટણીમાં બંનેમાંથી કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળ્યો. બહુમત માટે ઓછામાં ઓછી 61 બેઠકોની જરૂર છે. આઈઝનકોટની પાર્ટીએ શરત મૂકી હતી કે, તેઓ નેતન્યાહૂની પાર્ટી સાથે ગઠબંધન માટે તૈયાર છે પરંતુ વડાપ્રધાન તેઓ પોતે બનશે. જ્યારે આ ગઠબંધન પાર્ટી સાથે થશે પરંતુ નેતન્યાહૂએ તેનાથી દૂર રહેવું પડશે. હવે આઈઝનકોટની પાર્ટીની અંદર જ ગઠબંધનને લઈને મતભેદ છે. જણાવી દઈએ કે આઈઝનકોટને સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પ્રમુખ હરઝોગ ઇચ્છે તો આ સમયને 14 દિવસ વધુ વધારી શકે છે.


ઈઝરાયલની યાશર પાર્ટીના નેતા ગદી આઈઝનકોટે શુક્રવારે કહ્યું કે, જો વ્યાપક ગઠબંધન બનાવવાના પ્રયાસો નિષ્ફળ રહે છે, તો હું પોતાના નેતૃત્વમાં રાષ્ટ્રીય કટોકટી સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હું વાતચીતને અનિશ્ચિતકાળ સુધી ખેંચવા નહીં દઈશ. આઈઝનકોટ પાસે હવે ત્રણ વિકલ્પ છે. પ્રથમ વિકલ્પ હેઠળ તેમણે અતિ-રૂઢિચુસ્ત યહૂદી દળો એટલે કે હરેદીમ સાથે ગંભીર વાતચીતની વાત કહી. તેનો ઉદ્દેશ્ય એવી વ્યવસ્થા તૈયાર કરવાનો છે, જે તોરાહના અભ્યાસ માટે પોતાનો સંપૂર્ણ સમય સમર્પિત કરનારાઓની સ્થિતિ જાળવી રાખતાં ઈઝરાયલી સેનાની જરૂરિયાતો પૂરી કરે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ વાટાઘાટોનો અર્થ સૌના માટે ફરજિયાત સૈન્ય સેવા લાગુ કરવાની પોતાની પ્રતિબદ્ધતાથી પાછળ હટવું નથી.
બીજા વિકલ્પ હેઠળ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી સાથે વાતચીત સામેલ છે. આઈઝનકોટે કહ્યું કે, 'સમજૂતી સુધી પહોંચવાના પ્રયાસો છતાં આ વાટાઘાટોમાં અવરોધો યથાવત છે.'