રાજસ્થાનમાં મોડી રાત્રે બે ગોઝારા અકસ્માતમાં 12 લોકોનાં મોત

November 22, 2026

જોધપુર : રાજસ્થાનના માર્ગો શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ ફરી એકવાર રક્તરંજિત બન્યા છે. રાજ્યમાં બે અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 21 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રથમ અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર સર્જાયો હતો, જેમાં ખાટુ શ્યામજીના દર્શન કરીને પરત ફરી રહેલા મહારાષ્ટ્રના એક જ પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે બીજો અકસ્માત જોધપુર ખાતે થયો હતો, જેમાં ગુજરાતથી રામદેવરા દર્શનાર્થે જઈ રહેલા પરિવારના 3 સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા.

કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક મધ્યરાત્રિએ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રનો એક પરિવાર ખાટુ શ્યામજીના દર્શન કરીને પોતાના વતન પરત ફરી રહ્યો હતો. ક્રુઝરમાં કુલ 16 લોકો સવાર હતા. શંભુપુરા પાસેથી પસાર થતી વખતે અચાનક ચાલકને ઊંઘનું ઝોકું આવી ગયું હતું. જેના કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બેકાબૂ બનેલી ક્રુઝર હાઈ-વેની સાઈડમાં ઉભેલી એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ક્રુઝરનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અંગે અધિક જિલ્લા કલેક્ટરે વિગતો આપતાં જણાવ્યું કે, શંભુપુરા પાસે મધ્યરાત્રિએ આ દુર્ઘટના સર્જાઈ હતી. ક્રુઝરમાં સવાર 16 લોકોમાંથી 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 6 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.