ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર ધુમ્મસને કારણે પિકઅપ સાથે એમ્બ્યુલન્સ અથડાતાં 5નાં મોત

November 21, 2026

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે સર્જાયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં 5 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. થાણા સુબેહા વિસ્તારના ઘેરાવન ગામ નજીક 53.3 કિલોમીટર પોઈન્ટ પાસે સવારે અંદાજે 6:30 વાગ્યે આ દુર્ઘટના બની હતી.

રાજસ્થાનના જયપુરથી એક મૃતદેહ લઈને ગાઝીપુર જઈ રહેલી પૂરપાટ એમ્બ્યુલન્સ આગળ ઊભેલા પિકઅપ વાહનમાં પાછળથી ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે એમ્બ્યુલન્સમાં સવાર તમામ 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એમ્બ્યુલન્સના 2 ડ્રાઈવર અને અન્ય 3 લોકોનો સમાવેશ થાય છે.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખસેડ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા. પોલીસે તમામ મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે તથા જરૂરી વિગતો એકત્ર કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બીજી તરફ, પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એમ્બ્યુલન્સની તેજ ગતિ અને સવારનું ધુમ્મસ અકસ્માતનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ ટક્કર કયા સંજોગોમાં સર્જાઈ અને પિકઅપ વાહન રસ્તા પર શા માટે ઊભું હતું, તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.