ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકને તાજમહેલ જવાની પરવાનગી નહીં

November 20, 2026

એરપોર્ટ પર કોઈ ભારતીય અધિકારી હાજર ન રહ્યા, સરહદ પારના આતંકવાદ મુદ્દે પાકિસ્તાની મંત્રીનો જવાબ

દિલ્હી : શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન ની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના સંઘીય મંત્રી મુસાદિક મસૂદ મલિક ભારતની મુલાકાતે આવ્યા છે. જોકે, ભારત સરકારે સ્પષ્ટ વલણ અપનાવીને તેમની આ મુલાકાતને માત્ર સત્તાવાર બેઠક પૂરતી જ મર્યાદિત રાખી છે.
મુસાદિક મલિકને ભારત આવવાના વિઝા માત્ર બહુપક્ષીય બેઠક એટલે કે SCO સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમમાં સામેલ થવા માટે જ આપવામાં આવ્યા છે. એવા અહેવાલો હતા કે તેઓ આગ્રા સ્થિત તાજમહેલ અને દિલ્હીની હઝરત નિઝામુદ્દીન દરગાહની મુલાકાત લેવા માંગતા હતા, પરંતુ ભારતે તેમને આ સ્થળોએ જવાની મંજૂરી આપી નથી. 


પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યાં તેઓ SCO સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠકમાં SCO ના અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લઈ રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના ચીફ ઓફ પ્રોટોકોલે તેમનું સ્વાગત કર્યું હતું, પરંતુ ભારત તરફથી કોઈ પણ અધિકારી તેમના સ્વાગત માટે હાજર રહ્યા ન હતા. દિલ્હીમાં જ્યારે મુસાદિક મસૂદ મલિકને સરહદ પારના આતંકવાદ અંગે ભારતની ચિંતાઓ પર સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળતા કહ્યું હતું કે, જ્યારે તેઓ આવતીકાલે પોતાનું નિવેદન આપશે, ત્યારબાદ આ વિષય પર ઘણી ચર્ચા થશે.